વડોદરા,તા.૨૮, 

એનડીએ સરકાર દ્વારા સંસદમાં બહુમતીના જોરે ત્રણ કૃષિ બીલો પસાર કરી દેવામાં આવ્યા છે. તેમજ એ અંગેનો વટહુકમ પણ ગણતરીના કલાકોમાં કરી દેવામાં આવ્યો છે. એની સામે આક્રોશ વ્યક્ત કરવાને માટે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા દેખાવો યોજવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ પાટનગર ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકરના પૂતળાંથી રાજ્યભરના કોંગ્રેસના કાર્યકરો કુછ કરીને વિધાનસભા ભવન જનાર હતા. પરંતુ આ કાર્યકરો ગાંધીનગર પહોંચે, એ પહેલા જ જે તે નગરોમાંથી અગ્રણી કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાંથી પણ પોલીસ દ્વારા કોંગ્રેસના અગ્રણીઓની ગતરાતથી જ અટકાયત કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે ન્યાય કૂચમાં જવાને માટે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે એકત્ર થયેલા કોંગી કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસ દ્વારા શહેર ઉપરાંત વડોદરામાં પુત્રીના ઘરે મળવાને માટે આવેલા મહીસાગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હરજીવન પટેલને પણ અટક કર્યા હતા. આ તમામ અટકાયતીઓને વિવિધ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. જ્યાથી તેઓને ગાંધીનગરની કૂચ પત્યા પછીથી છોડી મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે પોલીસના કૃત્યને વખોડી કોરોનાની માફક લોકશાહી વેન્ટિલેટર પર હોવાનું જણાવ્યું છે. સમગ્ર દેશભરના ખેડૂતોના વિરોધ વચ્ચે કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ બીલો મંજુર કરાયા હતા. જેની વિરુદ્ધમાં અપાયેલા કાર્યક્રમને લઈને પોલીસ તંત્ર સજાગ બની ગયું હતું. જેઓએ ગત રાતથી જ કોંગી અગ્રણીઓને નજર કેદ કર્યા હતા. તેમજ મળસ્કેથી તેઓની અટકાયતનો દૌર શરુ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે મોટાભાગના કોંગ્રેસના અગ્રણીઓની એમના ઘરેથી જ અટકાયત કરી હતી. જેઓને અટક કરીને નજીકના પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ગાંધીનગરની ન્યાયકૂચનો કાર્યક્રમ પૂર્ણ થયો નહિ ત્યાં સુધી બેસાડી રાખ્યા હતા. પોલીસની આ કામગીરીને લોકશાહીની હત્યા સમાન ગણાવી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ,સરકાર પોલીસ તંત્રનો ઉપયોગ ગુનાઓ અને વધતા જતા કરાઈમ રેતને અટકાવવામાં કરવાને બદલે વિરોધીઓને દબાવવાનો માટે કરી રહી છે. સંસદની લોકતાંત્રિક પ્રક્રિયા એકબાજુ મૂકીને લેવામાં આવેલા ર્નિણયને લઈને ખેડૂતો અને ખેતમજૂરો રસ્તા પાર આવી ગયા છે. ખેતી સાથે સંકળાયેલાઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. મુઠ્ઠીભર પુંજીપતિઓના હવાલે કૃષિ ક્ષેત્રને સોંપી દેવા સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. તેઓએ આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે, મોટી કંપનીઓએ સિન્ડિકેટ બનાવીને ખેડૂતોને લૂંટે એવી યોજના બનાવવામાં આવી છે. આ બાબતે કેન્દ્રની સરકાર બે મોઢાની વાત કરી રહયાનું તેઓએ ઉમેર્યું હતું. અટકાયત કરાયેલા કોંગી અગ્રણીઓમાં આંકલાવ-ઉમરેઠ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ, જીપીસીસીના પ્રવક્તા ઋત્વિજ જોશી, શહેર કોંગ્રેસના પ્રવકતા અમિત ઘોટીકર, વોર્ડ -૧૪ના પ્રમુખ તીર્થ બ્રહ્મભટ્ટ, શહેર મંત્રી સન્ની ચૌહાણ સહિતનાનો સમાવેશ થાય છે.