વડોદરા : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક કાર્યક્રમ દરમિયાન ભૂલથી સુભદ્રાને શ્રીકૃષ્ણ ભગવાનના બહેનને બદલે પત્ની કહેતાં કોંગ્રેસ દ્વારા તેના ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષીની આગેવાનીમાં યૂથ કોંગ્રેસના કાર્યકરો ભાજપના કાર્યાલય પર હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારત આપવા જતા હતા તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને પોલીસે ભાજપના કાર્યાલય સુધી જતાં અટકાવી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષી સહિત ૧૫ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં સી.આર.પાટીલે તેમના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રૂકમણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રૂકમણીનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ બાબતે વિવાદ વધુ વકરી રહ્યો છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદનનો વડોદરા યૂથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આજે સયાજીગંજ શહેર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જાેષી તેમજ યૂથ કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મહાભારત ગ્રંથ આપવા જતા હતા ત્યારે સયાજીગંજ પોલીસે તેમને અટકાવતાં સામાન્ય ઘર્ષણ વચ્ચે પોલીસે ૧૫ જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાનો સંબંધ શું છે, તે આજે હિન્દુ ધર્મના ઠેકેદારો બનીને ફરે છ તેમને ખબર નથી, પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાને પતિ-પત્ની બનાવીને ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવી છે, જેથી સી.આર.પાટીલ માફી માગે. આ નિવેદન વિવાદાસ્પદ છે સુભદ્રા ભગવાન કૃષ્ણના બહેન હતાં. સી.આર.પાટીલને કોઈ ગ્રંથનો ઇતિહાસ ખબર નથી અને તેઓની અજ્ઞાનતા સામે આવી છે તેવા આક્ષેપ પણ કર્યા હતા.