ગાંધીનગર, ગુજરાત પોલીસના કર્મચારીઓને ગ્રેડ-પેમાં વધારો તો હજુ સુધી નથી મળ્યો, પરંતુ ગ્રેડ-પેમાં વધારો કરવા માટેના આંદોલનમાં જાેડાનારા ૨૨૯ કર્મીઓ સામે રાજ્ય પોલીસ વડા દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે. રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં ૧૦ ગુનાઓ નોંધાયા છે, જેમાં પોલીસ કર્મીઓ સહિત કુલ ૨૭ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગુજરાતનાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે વધારાના આંદોલન અંતર્ગત સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરતી પોસ્ટ રિલીઝ કરવા અને કોમેન્ટ્‌સ અંગે રાજ્ય પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો છે. બીજી તરફ રાજયમાં પોલીસ કર્મીઓના પ્રશ્નોનો નિકાલ લાવવાના હેતુથી પોલીસ દાદ ફરિયાદ નિવારણ સમિતિ અમલમાં છે. આ સમિતિઓમાં આજ દિન સુધી રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કુલ ૨૯૮ દાદ ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરાયું હતું. તેમજ પોલીસ કર્મીઓની રજૂઆતના નિકાલ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ૧૬૩ બેઠકોનું આયોજન કરી ૪૮૮ સંવાદોનું આયોજન કરવા ઉપરાંત પોલીસ મથકના પીઆઈ દ્વારા કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવા ૧,૬૮૯ જેટલા સંવાદના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. રાજ્યના પોલીસ વડા દ્વારા ગુરુવારે તમામ પોલીસ કર્મીઓને અપીલ કરી હતી કે, પોલીસ કે તેમના પરિવારને કોઈ રજૂઆત હોય તો આ બાબતે બનાવેલી સમિતિ સમક્ષ શિસ્ત વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ કરે નહીં. જાે કોઈ પણ કર્મચારી આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો તેની વિરુદ્ધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાશે. આ બાબતે સૂચના આપી હોવા છતાં વિવિધ શહેર જિલ્લાઓમાં પોલીસ કર્મચારીઓ દ્વારા શિસ્તભંગ કરવાની ઘટનાઓ બની છે. જેના અંતર્ગત કુલ ૨૨૯ પોલીસ કર્મચારી વિરુદ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગના કર્મચારી તેમજ અન્ય મળીને કુલ ૨૭ વ્યક્તિઓ વિરુદ્ધ કુલ ૧૦ ગુના વિવિધ પોલીસ મથકોમાં દાખલ કરવામાં આવ્યા છે.