વડોદરા : શહેરના છેવાડે હાઈવે પર દુમાડ ચોકડી પાસે આજે બપોરે શટલિયા રિક્ષા સ્ટેન્ડ પર બેઠેલા રિક્ષાચાલક ભરવાડો અને કારમાં ધસી આવેલા મુસ્લીમોના ટોળાં વચ્ચે ભટ્ટાના શ્રમિક દંપતીને ભગાડી દેવાના મુદ્દે ધીંગાણુ સર્જાયું હતું. જાહેરમાર્ગ પર ફિલ્મી ઢબે બંને પક્ષે થયેલા ધારિયા-લાકડીથી હુમલા વચ્ચે કારમાં આવેલા ઈંટોના ભટ્ટાના માલિકે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ધડાધડ છ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું જેમાં બે ભરવાડ યુવકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ભારે જહેમત બાદ ટોળા વિખેરી નાખી પરિસ્થિતિ થાળે પાડી હતી. બંને પક્ષે થયેલા છ ઈજાગ્રસ્તો પૈકીના ભરવાડોને સયાજી હોસ્પિટલમાં જયારે કારમાં આવેલા આધેડ સહિત બે મુસ્લીમોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ બનાવની સમા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. 

મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં નિઝામપુરા મિલીટરી કેમ્પ પાસે નતાશાપાર્કમાં રહેતા ૫૦ વર્ષીય ઐયુબઅલી ઈફાયતઅલી પઠાણ સાવલી તાલુકાના નમિસરા ગામમાં ઈંટોનો ભટ્ટો ચલાવે છે અને તેમના ભટ્ટામાં ઉત્તરપ્રદેશના શ્રમિકો કામ કરે છે. આજે બપોરે તેમની ટ્રકના ક્લિનર સર્બેશ ચેતારામે તેમને ફોન કરીને જાણ કરી હતી કે આપણા ભટ્ટા પર કામ કરતો મજુર તેની પત્ની સાથે દુમાડ ચોકડી પાસે હાઈવે પર ઉભો છે જેથી તેમણે ભટ્ટાના મજુર દંપતીને ટ્રકમાં બેસાડીને ભટ્ટા પર લઈ આવવા માટે જણાવ્યું હતું. તેમની ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર ભટ્ટાના મજુર દંપતીને ટ્રકમાં બળજબરીથી બેસાડવાનો પ્રયાસ કરતા ત્યાં ઉભેલા કેટલાક રિક્ષાચાલકોએ મજુર દંપતીની તરફેણ કરી હતી અને દંપતીને રિક્ષામાં બેસાડી અન્ય સ્થળે છોડ્યા હતા. દંપતીને રિક્ષાચલાક લઈને રવાના થયો હોવાની ક્લિનરે જાણ કરતા જ ઉશ્કેરાયેલા ઐયુબઅલી અને તેમનો પુત્ર ૨૪ વર્ષીય અજમલ તુરંત બ્રેજા કારમાં દુમાડ ચોકડી પર જવા નીકળ્યા હતા અને ઐયુબઅલીએ તેમના પુત્ર ૨૩ વર્ષીય અલ્તાફ અને નવાયાર્ડમાં રહેતા ૩૬ વર્ષીય ભાણેજ ગુજરાનખાન મુસ્તાકખાન પઠાણને પણ ફોન કરીને દુમાડ ચોકડી આવવા માટે જાણ કરી હતી. આશરે સવા બાર વાગે તેઓ બધા દુમાડ ચોકડી પાસે ભેગા થતાં જ ત્યાં ઉભેલા રિક્ષાચાલક તેમજ પંદરથી વીસ ભરવાડોને ઐયુબભાઈએ પુછ્યુ હતું કે તમે અમારા મજુરને અમારી ટ્રકમાં કેમ બેસવા દીધા નથી અને અમારા ટ્રકના ક્લિનર સર્બેશ સાથે ઝઘડો કરી મજુરને ક્યાં છોડી આવ્યા છો ?. દરમિયાન તેમની વાત સાંભળતા જ ઉશ્કેરાયેલા ભરવાડોનું ટોળું અપશબ્દોનો મારો ચલાવી ઐયુબઅલી અને તેમના પુત્રો પર લાકડીઓ અને ધારિયા સાથે તુટી પડ્યું હતું. આ હુમલાથી ગભરાયેલા ઐયુબઅલીએ તેમની લાયસન્સવાળી રિવોલ્વરથી ધડાધડ છ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ બનાવની ઐયુબઅલીની ફરિયાદના પગલે સમા પોલીસે રિક્ષાચાલક સહિત ભરવાડોનો ટોળા સામે ગુનો નોંધ્યો હતો.

જયારે આ બનાવની સામાપક્ષે ડભોઈરોડ પર રતનપુર ગામની પારસ સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય છકડાચાલક વજુભાઈ સેલાભાઈ જાેગરાણાએ પણ વળતી ફરિયાદ નોંધાવી હતી કે આજે બપોરે તે વાઘોડિયાચોકડીથી પેસેન્જરો બેસાડીને દુમાડચોકડી આવ્યો હતો અને ત્યાં ઉભેલા અન્ય ડ્રાઈવરો અને મિત્રોને મળવા માટે ગયો હતો. તેઓ વાતો કરતા હતા તે સમયે દુમાડચોકડી પાસે એક દંપતી તેઓના નાના બાળકને લઈને તેેઓની પાસે આવ્યું હતું અને અમને વાપી ઉતારી દો જે ભાડુ થશે તે આપી દઈશું તેવી ઈકોકારના ચાલક રાજુભાઈ બોળિયાને વિનંતી કરી હતી. જાેકે તેઓને ભરુચ સુધી જવાની વાત કરતા દંપતી આગળ રવાના થયું હતું જયાં તેઓની સાથે ટ્રકચાલક અને ક્લિનર તેઓની સાથે લઈ જવા માટે બળજબરી કરતા હોઈ દંપતી પૈકીની પત્નીએ રિક્ષાચાલકો પાસે રડતી આવી હતી અને જણાવ્યું હતું કે આ ટ્રકવાળા મારા પતિને મારે છે અને તે અમને મજુરી કરવા માટે લઈ જવા માંગે છે પરંતું અમારે તેેઓની સાથે મજુરી કરવા માટે નથી જવુ. તેની વાત સાંભળીને વજુભાઈ સહિતના રિક્ષા-છકડા ચાલકોએ તેના પતિને ટ્રકચાલકના સકંજામાંથી છોડાવ્યા હતા. આ બનાવના થોડા જ સમયમાં લાલ રંગની બ્રિઝા કારમાં આવેલા ઐયુબઅલી અને તેના પુત્રો સહિતના સાગરીતોના ટોળાએ રિક્ષાચાલકો પાસે જઈને જણાવ્યું હતું કે તમે અમારા મજુરોને કેમ ભગાડી દીધા છે, અહીંયા તમે કેવી રીતે ધંધો કરો છો તેમ જાેઈ લઈશું, આ દરમિયાન ઐયુબઅલી સાથે આવેલા યુવકે રિક્ષાચાલકોનું ફોનમાં વિડીઓ રેકોર્ડીંગ કરતા જ તેઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં એક યુવકે ઐયુબમામુ તું ફાયરીંગ કરકે ઠોક દો તેમ કહેતા જ ઐયુબઅલી ધડાધડ ફાયરીંગ કર્યું હતું જેમાં વજુભાઈ જાેગરાણાના બાવડામાં ગોળી વાગતા ઈજા થઈ હતી જયારે તેમના ફોઈના દિકરા દેવશીભાઈ રામાભાઈ ભરવાડ (માધવનગર, આજવારોડ)ને માથાભા કોઈએ ફટકો મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેઓ કારમાં ફરાર થયા હતા.

મુસ્લીમો અને ભરવાડો વચ્ચે જાહેરમાર્ગ પર થયેલા ધીંગાણા તેમજ ફાયરીંગના બનાવના પગલે આ વિસ્તારમાં નાસભાગના પગલે ઉત્તેજના ફેલાઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે તુરંત તમામ ઈજાગ્રસ્તોને સયાજી અને ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ટોળાંને ભારે જહેમત બાદ વિખેરી નાખી પરિસ્થિતિ થાળે પાડી હતી. આ બનાવના ફરી પડઘા ના પડે તે માટે આજે મોડી રાત સુધી પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવ્યો હતો. હાલમાં બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપીઓ સારવાર હેઠળ હોઈ કોઈની અટકાયત કે ધરપકડ કરી શકાઈ નથી.

ભરવાડો પર મુસ્લિમોના સતત બીજા હુમલાથી ઉશ્કેરાટ

શહેરના આજવારોડ પર થોડાક સમય અગાઉ જ હાર્દીક ભરવાડ નામના રિક્ષાચાલકની માથાભારે મુસ્લીમ યુવકે જાહેરમાર્ગ પર ચાકુના ઘા ઝીંકી હત્યા કરતા આ બનાવની ભરવાડ સમાજમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે તેવા સમયે આજે બપોરે ફરી ભરવાડ યુવકો પર મુસ્લીમોએ હુમલો અને ફાયરીંગની જાણ થતાં જ ભરવાડ સમાજમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો હતો અને આજે બપોરે તેઓએ હજારોની સંખ્યામાં દુમાડચોકડી ખાતે ભેગા થઈ આરોપીઓની ધરપકડ ના થાય ત્યાં સુધી ચક્કાજામ રાખીશુ તેમ કહી રોડ પર બેસી ગયા હતા. ટોળામાં સામેલ ભરવાડ અગ્રણીઓએ તેઓના સમાજને મુસ્લીમો દ્વારા જાણીજાેઈને ટાર્ગેટ બનાવતા હોવાનો આક્ષેપ કર્ય હતો.

ઐયુબ અલીનું રિવોલ્વરનું લાઈસન્સ ઉત્તરપ્રદેશનું છે

ઐયુબઅલીએ જણાવ્યું હતું કે આ હુમલામાં તેમના હાથ અને પીઠમાં ઈજા પહોંચી હતી તેમજ ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર છે જયારે તેમના પુત્ર અજમલને માથામાં અને બંને હાથમાં ઈજા થતાં જમણા હાથમાં ફ્રેકચર છે અને અલ્તાફના માથામાં તિક્ષ્ણ હથિયારથી હુમલો થતા દસ ટાંકા આવ્યા છે અને ભાણા ગુજરાનને પણ માથામાં ઈજા પહોંચી છે. તેમણે પોતાની રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું જેનું લાયસન્સ ઉત્તરપ્રદેશથી લીધું છે. પોલીસે તેમની રિવોલ્વર કબજે કરી તેમના લાયસન્સની ખરાઈ કરવાની તજવીજ શરૂ કરી છે.

મજૂર દંપતી ઉપાડ લઈને ભાગતું હોઈ તેઓને અટકાવવા જણાવેલું

આ બનાવમાં એવી પણ વાત વહેતી થઈ હતી કે જે મજુર દંપતીના કારણે આજે ધીંગાણુ સર્જાયું હતું તેઓએ ઈંટોંના ભટ્ટાના માલિક પાસેથી આશરે ૪૦ હજારનો ઉપાડ લીધો હતો. તેઓ ઉપાડ લઈને વતનમાં ભાગી જવાની પેરવી કરતા હોઈ ભટ્ટાના માલિકે તેઓને ટ્રકમાં બેસાડીને ભટ્ટા પર લાવવા માટે સુચના આપી હતી. જાેકે ટ્રકચાલક –ક્લિનર તેઓને બળજબરી કરતા હોઈ રિક્ષાચાલકોએ માનવતા ખાતર મજુરની રડતી પત્નીની વિનંતીના કારણે દરમિયાનગીરી કરી તેઓને ત્યાંથી રવાના કર્યા હતા. જાેકે દંપતી તો જતુ રહ્યું પરંતું તેઓના કારણે વિનાકારણ અથડામણ સર્જાઈ હતી.

નવા પોલીસ કમિ.નો પોલીસ તંત્ર પર કાબૂ નથી

દુમાડચોકડી પર આજે બપોરે ભેગા થયેલા ભરવાડ સમાજના અગ્રણીઓએ રોષ સાથે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જયારથી પોલીસ કમિશ્નર તરીકે આર બી બ્રહ્મભટ્ટે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત સાવ ખાડે ગઈ છે. શહેરમાં ઉપરાછાપરી હત્યા, લૂંટ, ચોરીઓ અને મારમારીના બનાવો વધ્યા છે તેમજ અત્યાર સુધી કાબુમાં રહેલી નશાબંધીનો દાટ વાગ્યો છે અને વિદેશી દારૂનું પણ ખુલ્લેઆમ ઠેરઠેર વેંચાણ શરુ થયું છે.

પોલીસ કમિ. બ્રહ્મભટ્ટનો પોલીસ તંત્ર પર કોઈ જ કાબુ નથી જેના કારણે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પોલીસ કમિ. આ બનાવમાં જાતે રસ લઈને આરોપીઓની વહેલમાં વહેલી તકે ધરપકડ કરે તેવી અમારી માગણી છે.

ગોળીઓ ચાલતી હતી અને પોલીસ વીડિયો રેકોર્ડિંગ કરતી હતી

દુમાડચોકડી પર ૨૪ કલાક સમા અને ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત હોય છે. આજે બપોરે પણ જયારે ટ્રકચાલક અને રિક્ષાચાલકો વચ્ચે માથાકુટ થઈ તે સમયે પોલીસ જવાનો ત્યાં હાજર હતા પરંતું તેઓએ દરમિયાનગીરી કરી નહોંતી. આ ઘટના બાદ થોડી જ વારમાં બંને પક્ષે ફરી હિંસક અથડામણ થઈ હતી જેમાં એક પક્ષે ઉપરાછાપરી ફાયરીંગ થયું હોવા છતા પોલીસે દરમિયાનગીરી કરવાની તસ્દી લીધી નહોંતી. આ અંગે ભરવાડોના ટોળાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારી પર ગોળીઓ ચાલતી હતી પરંતું નજીક ઉભેલા પોલીસ જવાનો આ ઘટનાનું મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા.

ભરવાડોના ટોળેટોળા દુમાડ ચોકડી પર દોડી આવતાં ચક્કાજામ

મુસ્લીમોના ટોળાંએ ભરવાડ યુવકો પર હુમલો અને ફાયરીંગ કર્યું હોવાની જાણ થતાં જ શહેરના દુમાડ, હરણી, સમા, ફતેગંજ, હરણીરોડ, દેણા અને મકરપુરા વિસ્તારમાંથી ભરવાડ અગ્રણીઓ અને યુવકોના ટોળેટોળે ઉશ્કેરાટ સાથે દુમાડચોકડી પર દોડી આવ્યા હતા. તેઓએ આરોપીઓની તુરંત ધરપકડ કરવાની માગ કરીને હાઈવે પર ચક્કાજામ કરતા બપોરે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભરવાડો રોડ પર બેસી જતા ઘટનાસ્થળે દોડી આવેલા પોલીસને ટોળાંને શાંત પાડી તેમજ રોડ પરથી ખસેડવા માટે નાકે દમ આવ્યો હતો.