દુબઇ : 

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે આઇપીએલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની સામે મેદાનમાં ઉતરવાની સાથે જ 200 આઇપીએલ મેચ રમનાર ખેલાડી બન્યો છે. અબુ ધાબીના શેખ ઝાયેગ સ્ટેડિયમમાં ધોની એ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ધોનીની આ ટી20 લીગમાં 200મી મેચ છે. તે આઇપીએલમાં 200 મેચ રમનાર પ્રથમ એકલો ખેલાડી છે. ત્યારબાદ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે જેણે અત્યાર સુધીમાં 197 મેચ રમી છે. 

મેચ પહેલા ટોસ સમયે જ્યારે કોમેન્ટેટરે ડેની મોરિસનને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, તમે જ્યારે આ વિશે મને કહ્યું ત્યારે મને ખબર પડી, સારું લાગે છે પરંતુ આ માત્ર એક સંખ્યા છે. હું ભાગ્યશાળી અનુભવ કરું છું કે, વગર કોઇ ઇજાએ આટલો લાંબો સમય રમી શક્યો. ત્રણ વખત આઇપીએલની ટ્રોફી જીતનાર ધોની 2008માં શરૂ થયા બાદ ચેન્નાઇની કેપ્ટન્સી કરી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીને જ્યારે બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી ત્યારે તેણે રાઇઝિંગ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

આઇપીએલની 199 મેચમાં બે વર્લ્ડ કપ જીતનાર પૂર્વ ભારતીય ખેલાડીએ 23 ફિફ્ટીની મદદથી 4,568 રન બનાવ્યા છે. જમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન રહ્યો છે. તે દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 137.7નો રહ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં સિક્સ મારવા મામલે ક્રિસ ગેલ (333 સિક્સ) અને એબી ડિ વિલિયર્સ (231) બાદ 215 સિક્સની સાથે ત્રીજા સ્થાન પર છે.