પાલનપુર : ગત વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાહાકાર સર્જનાર ડિપ્થેરિયા રોગે ફરી માથું ઉચક્યું છે. જિલ્લામાં શંકાસ્પદ ડિપ્થેરિયાના ૩ કેસથી હડકંપ સર્જાયો છે. જેના પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વે કામગીરી કરી ત્રિગુણી રસીનો બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી છે. આ રોગથી ગત વર્ષે ૩૮૮ પૈકી ૧૭ના મોત નિપજયા હતા. બનાસકાંઠા જિલ્લાના હાલ જે ત્રણ દર્દીઓ ડિપ્થેરિયાના નોંધાયા છે તેમાં સેધાભાઈ હરેશભાઈ ચૌધરી (ઉ. બે વર્ષ , રહે. મગરાવા તા. ધાનેરા) ને બીજી ઓક્ટોબરે શંકાસ્પદ લક્ષણો જણાતા પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયો હતો. બીજો દર્દી વિજય દિનેશભાઈ ઠાકોર (ઉ.છ વર્ષ રહે ડેટા તા. લાખણી) ને રવિવારે લક્ષણો જણાતા સારવારમાટે દાખલ કરાયો છે. દરેક ત્રીજો કેસ થરાદ થી આવ્યો છે અહીં આઠ વર્ષીય બાળકી સાયેના રમેશ માજીરાણા ને પાંચ તારીખે લક્ષણો જણાતા હોસ્પિટલાઈઝ કરાઈ હતી. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત વર્ષે ૩૮૮ કેશો આવતા ૧૭ના મોત નિપજ્યા હતા જેથી ત્રિગુણી રસી ના બે ડોઝ આપવામાં આવ્યા હતા આ વખતે ત્રીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે સ્કૂલમાં જેમને ત્રિગુણી રસી નહોતી મળી એ જ બાળકો ડિપ્થેરિયા રોગની ચપેટ માં આવ્યા હતા. ગત વર્ષે ૩૫ વર્ષની યુવતીનો ડિપ્થેરિયા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડીપ્થેરિયા રોગની તીવ્રતા જોતા પ્રસૂતા મહિલાઓને ધનુર ની રસી ની સાથે ત્રિગુણી રસી પણ આપવાની સરકારે શરૂઆત કરી છે.