ભરૂચ

આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર સાંકડા તેમજ નકશા વિરૂદ્ધ બનાવેલા રોડને કારણે છાસવારે અકસ્માતો બનતા રહે છે. ત્યારે હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે કોઈક વખત મોટો અકસ્માત થાય તો મોટી જાનહાની થાય તેમ લાગી રહ્યું છે. જો હાઇવે ઓથોરિટી એસ્ટીમેન્ટ મુજબ રોડ પહોળો નહીં કરે તો કયારેક નિર્દોષ વાહનચાલકોને કારણે કોઈનો જીવ જોખમમાં મુકાઈ તેમ લાગી રહ્યું છે.

આમોદ ચાર રસ્તા ઉપરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ પસાર થાય છે.જે માટે ભરૂચ હાઇવે ઓથોરિટી દ્વારા રૂપિયા ૧૩ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કોન્ટ્રાક્ટરે બેફામ ભ્રષ્ટાચાર કરી નકશા વિરુધ્ધ કામ કરી રોડ સાંકડો બનાવી દીધો હતો અને રોડની સાઈડમાં આવેલા શોપિંગ માલિકોને સવલત કરી આપવામાં આવી હતી.જેને લઈને સાંકડા રોડ ઉપરથી પસાર થતા ભારદારી વાહનોને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈન બોર્ડ તેમજ રીફલેક્ટર લાઈટનો પણ લાખો રૂપિયા ખર્ચ પાડવામાં આવ્યો હોવ છતાં પણ ના લગાડતા અજાણ્યા નિર્દોષ વાહનચાલકો ભારદારી વાહનો લઈને ડિવાઈડર ઉપર ચઢી જાય છે.

આમોદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર છેલ્લા ત્રણ મહિનામાં ૨૦ થી વધુ વાહનચાલકો ડિવાઈડર ઉપર ચઢી ગયા હતા.૧૩ કરોડના કામમાં સાઈન બોર્ડ તેમજ રીફલેક્ટર લાઈટ બેસાડવામાં પણ કોન્ટ્રાક્ટરે ગોબચારી કરતા નિર્દોષ વાહનચાલકો ભોગ બની રહ્યા છે.આમોદના જાગૃત નાગરિકો દ્વારા ઘટતું કરવા ધ્યાન દોરાતું રહે છે.