મેલબોર્ન

વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં શુક્રવારે ત્રીજા રાઉન્ડની મેચમાં ૩૧ મા ક્રમાંકિત યુએસ ખેલાડી ટેલર ફ્રિટ્‌ઝને હરાવવા માટે વિશ્વના નંબર વન ખેલાડી અને સર્બિયાના આઠ વખતના વિજેતા નોવાક જોકોવિચને પાંચ સેટ સંઘર્ષ કરવો પડ્યો. 

પાછલા બે વખતના ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત જોકોવિચે ૨૭ માં ક્રમાંકિત ફ્રિટ્‌ઝને ૭-૬(૭-૧), ૬-૪, ૩-૬,૪-૬, ૬-૨ થી હરાવી ત્રણ કલાકની ૨૫ મિનિટની મેરેથોન મેચ જીતી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. જીત બાદ જોકોવિચે કહ્યું હતું કે માસપેશીઓ માં દુખાવાને કારણે કદાચ આગામી મેચ ના રમી શકું.

જોકોવિચે પ્રથમ બે સેટ જીત્યા અને એક સરળ જીત તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ અમેરિકન ખેલાડીએ આગળના બે સેટ જીતવા માટે શાનદાર વાપસી કરી મેચને રોમાંચક બનાવી.

જોકોવિચે ફ્રિટ્‌ઝની ટક્કરને નિર્ણાયક સેટમાં ૬-૨ થી જીતીને મેચ જીતી લીધી હતી. ચોથા રાઉન્ડમાં જોકોવિચનો સામનો ૧૪ માં ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિક સામે થશે.

ત્રીજા ક્રમાંકિત ઓસ્ટ્રિયાના ડોમિનિક થિમે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગીયોસ સામે આગલા ત્રણ સેટમાં વિજય મેળવ્યો હતો. થિમે ત્રણ કલાક અને ૨૧ મિનિટમાં ૪-૬, ૪-૬, ૬-૩, ૬-૪, ૬-૪થી મેચ જીતી લીધી. ત્યારબાદ થિમનો મુકાબલો બલ્ગેરિયાના ગ્રિગોર દિમિત્રોવ સામે થશે.

જોકે મહિલા સિંગલ્સ માં વિશ્વની બીજા નંબરની રોમાનિયાની સિમોના હાલેપે કુદેરમેંટોવા ને એક કલાક અને ૧૮ મિનિટમાં ૬-૧, ૬-૩ થી હરાવી અને ૨૩ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા યુ.એસ.ની સેરેના વિલિયમ્સે પોતાપોવા ને ૭-૬(૭-૫), ૬-૨ થી સતત સેટમાં હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.