વડોદરા, તા.૧૪

ભાજપ દ્વારા ગઈકાલે લોકસભાની ચૂંટણીની જારી કરાયેલી બીજી યાદીમાં સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં હતા જેથી અનેક દાવેદારોના મોઢાં વીલાં પડી ગયાં હતાં. પૂર્વ મેયર અને ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડયાએ પણ દાવેદારી કરી હતી, પરંતુ ટિકિટ નહીં મળતાં નારાજગી વ્યક્ત કરી હતી. જાે કે, તેઓ બળવો કરે તે પૂર્વે જ કેન્દ્રિય અને પ્રદેશની સૂચનાથી ડો. જ્યોતિબેન પંડયાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યારે ભાજપના નિશાન પર સવાર થઈને રાજકીય કારકિર્દી ઘડનાર મહિલા અગ્રણીએ અચાનક બળવાનો સૂર પકડતાં ભાજપમાં અનેક અટકળો શરૂ થઈ છે.

વડોદરા લોકસભા બેઠક પર ચંૂટણી લડવા માટે ૧૮ જેટલાએ દાવેદારી કરી હતી. ત્યારે ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ગુજરાતના વધુ સાત ઉમેદવારોમાં વડોદરા બેઠક પર ફરી સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરાતાં કેટલાક દાવેદારોનાં મોઢા વીલાં પડ્યાં હતાં. જાે કે, સાંસદની ટિકિટ નહીં મળતાં નારાજ પૂર્વ મેયર અને હાલમાં ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડયા બળવો કરે તે પૂર્વે જ તેમને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. વહેલી સવારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ટેલિફોનિક ચર્ચા બાદ તેમને સસ્પેન્ડ કરાયાં હતાં.

જાે કે, સસ્પેન્ડ કરાતાં તેમણે કહ્યું હતંુ કે, હું સાંસદ રંજનબેન ભટ્ટ કરતાં ઉચ્ચ શિક્ષિત છું, મેયર હતી. ત્યારે શહેરનો વિકાસ કર્યો છે. વડોદરા રાજ્યના શહેરો કરતાં પાછળ છે જેની નોંધ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને લેવી પડે તે શરમજનક બાબત છે. અન્ય શહેરોમાં વિકાસ માટે ફંડ આવે છે, તેવી રીતે વડોદરામાં પણ આવે છે. તો ફંડ ક્યાં જાય છે? તેવો પણ સવાલ કર્યો હતો.

ડૉ. જ્યોતિ પંડ્યા કોઈની ગાઈડેડ મિસાઈલ બન્યાની ચર્ચા

વડોદરા, તા.૧૪

વડોદરા લોકસભાની બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતાં જ ગઈકાલે રાત્રે પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડયાએ સાંસદ રંજનબેન ભટ્ટના નિવાસસ્થાને જઈને ખેલ પહેરાવ્યો અને શુભેચ્છા પણ આપી હતી. ત્યારે અચાનક બળવાનો સૂર કેમ ઉપાડયો તેને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયાં છે. ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ વડોદરાની ટિકિટ બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ મળે તે લગભગ નિશ્ચિત હતું પરંતુ રંજનબેન ભટ્ટને ટિકિટ ના મળે અને પોતાનું ચોકઠું ગોઠવાય તે માટે ભાજપના અનેક અગ્રણીઓ પ્રયત્નશીલ હતા. જેઓને સફળતા નહીં મળતાં તેઓની રાજકીય કારકિર્દિનો અંત આવશે તે માનીને રંજનબેન ભટ્ટની ટિકિટ અંગે પુનઃ વિચારણા થાય તે માટે અસ્થિરતા ઊભી કરવા ભાજપના જ કેટલાક નેતાઓ કામ લાગ્યાં છે ત્યારે કપાયેલા નેતાઓએ ડો. જ્યોતિ પંડયાને ગાઈડેડ મિસાઈલ બનાવીને લોન્ચ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દંડક બાળકૃષ્ણ શુકલ સમજાવવા ગયા પણ ડો. જ્યોતિ પંડયા માન્યાં નહીં

મળતી વિગતો મુજબ પ્રદેશ નેતાગીરીની સૂચના બાદ વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ ડો. જ્યોતિબેન પંડયાને મળવા માટે ગયા હતા અને એક કલાકથી વધુ સમય મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદેશ નેતાગીરી સાથે વાત પણ કરાવી હતી પરંતુ ડો. જ્યોતિ પંડયા ટસનાં મસ નહીં થતાં પ્રદેશ નેતાગીરીએ તેઓ જાહેરમાં બળવો કરે તે પૂર્વે સસ્પેન્ડ કરી દીધાં હતાં.

નિરીક્ષકો આવ્યા ત્યારે જાહેરમાં શિસ્તની વાતો કરી હતી

વડોદરા લોકસભાની બેઠક પર સેન્સ માટે નિરીક્ષકો જ્યારે આવ્યા હતા ત્યારે જાહેરમાં તેમણે શિસ્તની વાતો કરી હતી. લોકસત્તા-જનસત્તાના ડિજિટલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે પાર્ટીની શિસ્ત, કાર્યપદ્ધતિ અને કોઈને ટિકિટ મળે કે ન મળે તેઓ પક્ષના વફાદાર કાર્યકર છે તેવું જાહેરમાં કહ્યું હતું. ત્યારે અચાનક જ આ સૂર બદલાતાં અનેક ચર્ચાઓ ભાજપ વર્તુળોમાં શરૂ થઈ છે.