આણંદ : રાષ્‍ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્‍લાના કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્‍લા ન્‍યાયાલય આણંદ તથા તેનાં તાબા હેઠળ આવેલાં બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા, આંકલાવ અને તારાપુર ખાતે આગામી તા.૧૨ ડિસેમ્બરના રોજ ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. 

આ ઇ-લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના અકસ્‍માતને લગતાં કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રૂમેન્‍ટ એક્ટની કલમ-૧૩૮ના કેસો, લગ્‍ન સંબંધી ફેમિલીકેસો, મહેસૂલના કેસો, ભરણપોષણના કેસો, એલએઆરના કેસો, હિન્‍દુ લગ્‍ન ધારો, મુસ્લિમ લગ્‍ન ધારો, ખ્રિસ્‍તી લગ્‍ન ધારો, મજૂર અદાલતના કેસો, દિવાની દાવા જેવાં કે, ભાડાના, બેન્‍કનો, વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મૂકી શકાશે.

આ ઇ-લોક અદાલતમાં પક્ષકારો, વકીલોએ કોવિડ-૧૯ના કારણે ફિઝિકલી હાજર રાખ્‍યાં વગર વિડિયો કોન્‍ફરન્‍સનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.

પક્ષકારોએ ઇ-લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે આ અંગેની વધુ જાણકારી મેળવવી હોય તો સંબંધિત અદાલતનો અથવા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્‍લા ન્‍યાયાલય આણંદ તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો ફોન ઉપર સંપર્ક કરવાનો રહેશે.