વડોદરા, તા.૧૧

લોકસત્તા-જનસત્તા ડિજિટલ દ્વારા કલેકટર કચેરીના પ્રાંગણમાં ગટરમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવવાના બનાવના અહેવાલમાં ઘટનાસ્થળે હાજર સરકારી કચેરીઓના સ્ટાફ અને અરજદારો-પક્ષકારોએ આ બનાવમાં તંત્રની ઘોર નિષ્કાળજી હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. ખુલ્લી ગટરમાં સંભવિત અકસ્માતના મુદ્દા સાથે ગટરમાંથી દારૂની ખાલી બોટલો અંગે એવો સૂર વ્યક્ત કર્યો હતો કે કલેકટર કચેરીના પ્રાંગણમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવેલા છે જાે તેના ફૂટેજની ચકાસણી કરાય તો આ બોટલો કોણે નાખી છે તેની જાણકારી મળશે અને જે વ્યકિતએ આ કૃત્ય કર્યું છે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરવી જાેઈએ.

રાજકોટની મારવાડી યુનિ. બાદ ગુજરાત યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં અને ત્યારબાદ વડોદરામાં કોર્પોરેશન સંચાલિક બગીચામાં ગાંજાનો છોડ મળી આવ્યાના બનાવાની શાહી સુકાય તે અગાઉ હવે શહેરના કલેકટર કચેરીમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર જાગી છે. જિલ્લાના મુખ્ય વહીવટી કચેરી અને પોલીસ વડા સહિતની કચેરી જયાં આવેલી છે અને જ્યાં ખુદ કલેકટર સહિતના પદાધિકારીઓ અને રેંજ આઈજી અને જિલ્લા પોલીસ વડાની અવરજવર થાય છે અને પોલીસ કર્મચારીઓનો પણ સતત અવરજવર હોય છે તેવા કલેકટર કચેરીના પ્રાંગણમાં વિદેશી દારૂની બોટલો મળતા શું આ સ્થળે પણ વિશાળ કમ્પાઉન્ડમાં અંધારામાં દારૂની મહેફિલો જામે છે ? અને પોલીસ ઉચ્ચાધિકારીઓની હાજરી હોય તેવા સ્થળે મહેફિલ માણવાની હિમ્મત કોણામાં છે તે મુદ્દે પણ અનેક પ્રશ્નાર્થો સર્જાય છે.

શહેરમાં દારૂબંધી છે પરંતું તેનો પોલીસ દ્વારા કેટલો કડકાઈથી અમલ થાય છે તેનાથી સૈા શહેરીજનો સારી રીતે વાકેફ છે. શહેરમાં છાશવારે જંગી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાય છે તેમજ રોજેરોજ દેશી-વિદેશી દારૂ પીધેલી હાલતમાં નશેબાજ મોટી સંખ્યામાં ઝડપાતા હોય છે, જેના કારણે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પૂરતો હોવાનું સાબિત થયું છે. જાેકે શહેરના વિવિધ વિસ્તારમાં દારૂબંધીના કાયદાનો ભંગ થાય છે પરંતુ આ કાયદનો ભંગ હવે છેક કલેકટર કચેરીના પ્રાંગણ સુધી પહોંચી જતાં વહીવટી તંત્ર સાથે પોલીસ પણ ચોંકી ઊઠી છે.

શહેરમાં આવેલી કલેકટર કચેરી જયાં જિલ્લાની મુખ્ય વહીવટી કચેરી સાથે જિલ્લા પોલીસ વડા અને રેંજ આઈજીની કચેરી આવેલી છે. આ સ્થળે જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓ તેમજ પોલીસ વડા સહિતના જંગી પોલીસ કાફલો ફરજ બજાવે છે. કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રવેશદ્વાર પાસે ફોર વ્હીલના પાર્કિંગના સ્થળે એક ગટર ખુલ્લી હોઈ તેના કારણે થનારા અકસ્માતો અંગે લોકસત્તા-જનસત્તાની ડિજિટલ ટીમ દ્વારા વિગતવાર લાઈવ અહેવાલ પ્રસિધ્ધ કરાતો હતો જે દરમિયાન ખુલ્લી ગટરમાં એક-બે નહી પરંતું સાતથી વધુ વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા ચકચાર મચી હતી.

જિલ્લા કલેકટર અને ડેપ્યુટી કલેકટર ઉપરાંત રેંજ આઈજી અને જિલ્લા પોલીસ વડાની જયાં રોજ હાજરી હોય તેવા સ્થળે વિદેશી દારૂની ખાલી બોટલો જાેઈને કલેકટર કચેરીમાં આવતા નગરજનો સાથે કલેકટર કચેરીના પ્રાંગણમાં આવેલી વિવિધ સરકારી કચેરીનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.

વહીવટીતંત્ર સાથે શહેર પોલીસતંત્ર માટે શરમજનક બાબત ઃ ડો.નિકુલ પટેલ

કલેકટર કચેરીના પ્રાંગણમાં પ્રવેશદ્વાર પાસેની ગટરમાં વિદેશી દારૂની બોટલો પડી હોવાનો લોકસત્તા-જનસત્તા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતો હતો તે જ સમયે આ સ્થળે કોંગ્રસ અગ્રણી અને યુનિ.ના સેનેટ સભ્ય ડો.નિકુલ પટેલ આવી પહોંચ્યા હતા. તેમને ગટરમાં વિદેશી દારૂની બોટલો હોવાની જાણકારી મળતા તેમણે કેમેરાની સામે હિમ્મતભેર ગટરમાંથી એક પછી એક એમ દારૂની આઠ જેટલી ખાલી બોટલો બહાર કાઢી પોલીસ તંત્રની પોલ ઉઘાડી પાડી હતી. આ અંગે ડો.નિકુલ પટેલે રોષ સાથે જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દારૂ મળે છે, પરંતુ હવે તો કલેકટર કચેરીના પ્રાંગણમાં પણ દારૂની ખાલી બોટલો મળી આવી તે ખરેખર વહીવટી તંત્ર સાથે શહેર પોલીસ માટે શરમજનક બાબત છે. આ બાબતે શહેર પોલીસ કમિશનરએ તપાસ કરાવી સમગ્ર બનાવનો પર્દાફાશ કરે તે જરૂરી છે.