વરસાદી માહોલ વચ્ચે શરૃ થયેલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને બે વિકેટે ૧૩૯ રન કર્યા હતા. માત્ર ૩૯ ઓવરની રમતમાં પાકિસ્તાન પર પકડ જમાવવાની તક ઈંગ્લેન્ડના બોલરો અને ફિલ્ડરો ચૂકી ગયા હતા. એક તબક્કે માત્ર ૪૩ રનમાં બે વિકેટના સ્કોરથી પાકિસ્તાને સ્થિતિ સુધારી હતી અને બાબર તેમજ ઓપનર મસૂદે નોટઆઉટ ૯૬ રનની ભાગીદારી કરી હતી.

માંચેસ્ટરમાં શરૃ થયેલી ટેસ્ટના પ્રારંભ પૂર્વે કોરોના મહામારીમાં જાન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે મૌન પાળવામાં આવ્યું હતુ. પાકિસ્તાને ટોસ જીતીને ફાસ્ટ બોલરોને મદદગાર સ્થિતિ છતાં બેટીંગ પસંદ કરી હતી. આર્ચરે આબિદ અલીને ૧૬રને ક્લિન બોલ્ડ કર્યો હતો. જ્યારે અઝહર અલી ખાતુ ખોલાવ્યા પહેલા જ વોક્સની બોલિંગમાં લેગબિફોર વિકેટ આઉટ થયો હતો. પાકિસ્તાનનો સ્કોર ૧૮.૧ ઓવરમાં બે વિકેટે ૪૩ રન થયો હતો અને ઈંગ્લેન્ડની ટીમે મેચ પર પ્રભુત્વ મેળવ્યું હતુ. જોકે, ઓપનર શાન મસૂદ અને બાબર આઝમની જોડીએ ધીમી પણ મક્કમ બેટીંગ કરતાં ઈંગ્લેન્ડના બોલરોને હતાશ કર્યા હતા. 

બાબર ૧૦૦ બોલમાં ૧૧ ચોગ્ગા સાથે ૬૯ રને અને શાન મસૂદ ૪૬ રને નોટઆઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડે છ બોલર અજમાવ્યા હતા, જેમાંથી આર્ચર-વોક્સને વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે માન્ચેસ્ટરમાં શરુ થયેલી પ્રથમ ટેસ્ટ મેચ વરસાદ, ભીની આઉટફિલ્ડ અને ખરાબ લાઈટથી પ્રભાવિત રહી હતી. પ્રથમ દિવસની રમતની સમાપ્તીએ પાકિસ્તાને પ્રથમ ઇનિંગમાં ૨ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા. બાબર આઝમ ૬૯ અને શાન મસૂદ ૪૬ રન બનાવી ક્રીઝ પર છે.