દિલ્હી-

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં મફતમાં કોરોના રસીની વચન આપ્યું છે. આ વચન બાદ દેશમાં એક અલગ પ્રકારની જંગ છેડાઇ છે. કેટલાંય વિપક્ષી દળ અને રાજ્ય સરકારોએ તેના પર પ્રશ્ન ઉભો કર્યો છે આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું કહેવું છે કે માત્ર બિહાર નહીં પરંતુ દેશના દરેક નાગિરકને કોરોનાની રસી મફતમાં મળશે. ઓરિસ્સાના બાલાસોરમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી એ કહ્યું કે પીએમ મોદી આ વાતને કહી ચૂકયા છે કે તમામને કોરોનાની રસી મફતમાં મળશે.

એક વ્યક્તિને રસી આપવાનો ખર્ચ પાંચસો રૂપિયા આવશે. બાલાસોરમાં પેટાચૂંટણી થવાની છે અને ત્યાં પ્રતાપ સારંગી પ્રચાર માટે ગયા હતા. આપને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં કોરોના રસી અંગે ચર્ચા કરી હતી. પીએમ એ કહ્ય્šં હતું કે ભારતના વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે અને પરિણામ ટૂંક સમયમાં જ આપણા હકમાં હશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ભાજપના વાયદા બાદ કેટલીક રાજકીય પાર્ટીઓએ આ નીતિ પર પ્રશ્નો કર્યા હતા. કોંગ્રેસ સહિત કેટલાંય વિપક્ષી દળોએ પૂછયું હતું કે શું દેશમાં કોવિડ વેક્સીન રાજ્યોમાં થનાર ચૂંટણીના હિસાબથી મળશે.

સરકારને દેશની સામે કોવિડ વેક્સીનની ફાળવણીની નીતિ મૂકવી જાેઇએ અને તમામને મફતમાં આપવી જાેઇએ. અત્યાર સુધીમાં તામિલનાડુ, મધ્યપ્રદેશ, અસમ, પુડ્ડુચેરીની રાજ્ય સરકારોએ પોતાના નાગરિકો માટે મફત રસીની જાહેરાત કરી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આખા દેશમાં મફત રસી આપવાની અપીલ કરી છે. આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે કોવિડ રસીની ફાળવણીની નીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. એક અંદાજ પ્રમાણે સરકાર અત્યાર સુધીમાં ૫૦ હજાર કરોડ રૂપિયાના બજેટનો અંદાજાે લગાવ્યો છે.