વડોદરા, તા.૧૧

નકલી સોનું પધરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ભીમા અને પ્રભુ સોલંકી વાપી પોલીસની શહેરમાં હાજરીથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વાપી પોલીસે આજે સોલંકીના નિવાસસ્થાન અને સંભવિત સ્થળોએ તપાસ હાથ ધરી હતી. બીજી તરફ પાંચ કરોડની છેતરપિંડીના મામલામાં નામ બહાર આવતાં ભીમા સોલંકીનો પુત્ર રાહુલ પણ ભાગી છૂટયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

નકલી સોનાના સોદાગરોએ આ વખતે મહારાષ્ટ્રમાં મોટો હાથ માર્યો છે. અસલી સોનાના નામે પાંચ કરોડ રૂપિયા લઈ નકલી સોનું પધરાવી દીધું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે ખોડિયારનગર વિસ્તારમાં વૈભવી ઓડી કાર લઈને ફરતા રાહુલે આ વખતે મોટો હાથ માર્યો હોવાથી ૬પ લાખ રૂપિયાની કિંમત ધરાવતી નવીનક્કોર રેંજ રોવર કાર ખરીદી હતી અને એ કાર લઈને જ રાહુલ ભાગી છૂટયો હોવાનું કહેવાય છે.

બીજી તરફ રૂા.૧.૧૦ કરોડની છેતરપિંડી ભીમા સોલંકીએ સુરતના ગોવિંદભાઈ બોરડા સાથે કરી હતી જેની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. એમાં સોદાબાજી દરમિયાન ગોવિંદભાઈએ છેતરપિંડી કરનાર ભીમા સોલંકી સહિત એની માતા, બહેન, ભાઈ, બનેવીના ફોટા છૂપી રીતે મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા, એ ફોટાની પ્રિન્ટ કઢાવી વાપી પોલીસ હાલ શહેરમાં ભીમા સોલંકી એની માતા, બહેન, બનેવી અને ભાઈની શોધખોળ ચલાવી રહી છે. ત્યારે પૂરો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ શોધખોળ છતાં જાે ભીમા સોલંકી અને પરિવારજનો નહીં મળી આવે તો એમના પોસ્ટરો શહેરમાં ઠેરઠેર લગાવાશે અને મિલકતો તેમજ બેન્ક ખાતા, વૈભવી કારોની તપાસ કરી જપ્ત કરવામાં આવશે. દરમિયાન મહારાષ્ટ્રના ઈગતપુરી પોલીસ મથકમાં મોટી છેતરપિંડી બદલ ઝડપાયેલા પ્રભુ સોલંકીને તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ અત્રે લાવી હતી, એ દરમિયાન કરજણ પાસેની એની જ હોટેલમાંથી ફરાર થયા બાદ પ્રભુ પોલીસના હાથે ઝડપાયા બાદ જેલમાં હતો. હાલમાં તે છૂટી મુંબઈ ખાતે બીજી પત્ની સાથે રહેતો હોવાનું પોલીસે શોધી કાઢયું છે અને વાપીની ફરિયાદમાં એનું નામ હોવાથી ભીમા અને પરિવારજનો સહિત પ્રભુને પણ સકંજામાં લેવાશે.

નવીનક્કોર રેંજ રોવર કાર સાથે રાહુલ રફુચક્કર થયો

મજૂરના વેશમાં માલેતુજારોને અસલી સોનાની લાલચમાં છેતરતા સોલંકી પરિવાર અત્યાર સુધી ફોચ્યુનર અને ઓડી જેવી ૩૦ થી ૪૦ લાખની કારોમાં ફરતો હતો. ત્યારે પાંચ કરોડનો મોટો હાથ ભીમાએ મારતાં એનો પુત્ર રાહુલ ૬પ લાખની કિંમતની નવીનક્કોર રેંજ રોવર કાર લઈને ખોડિયારનગર વિસ્તારમાં વટ પાડી ફરતો હતો એ રાહુલ વાપી પોલીસની વાત જાણી રેંજ રોવર કાર સાથે ભાગી છૂટયો હોવાની માહિતી મળી છે.