વડોદરા, તા.૨૫ 

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં પૂછપરછ માટે લવાયેલા શેખ બાબુ ગુમ થવાના મામલે હાઈકોર્ટે આકરું વલણ દાખવ્યું છે, ત્યારે અગાઉ એસીપી સમક્ષ નિવેદન નોંધાવી ચૂકેલ પોલીસ કર્મચારીને કારણે ફસાઈ જવાના ડરે હવે સંડોવાયેલા પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પાસે સોગંદનામું કરાવવા માટે દબાણ કરી રહ્યા હોવાની માહિતી બહાર આવી છે. બીજી તરફ આ મામલે ફતેગંજ પોલીસ મથકના કર્મચારીઓમાં બે ભાગલા પડી ગયા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.

જાણકારોના જણાવ્યા અનુસાર આ ચકચારી બનાવમાં જા યોગ્ય તપાસ થાય તો આ ચોખ્ખો હત્યાનો મામલો હોવાનું બહાર આવશે એવા સંજાગોમાં પીઆઈ, પીએસઆઈ સહિત સર્વેલન્સ સ્ટાફની પૂછપરછ કરનારા પીએસઓ ઉપર હત્યાનો ગુનો દાખલ થાય એવી પરિસ્થિતિ ઊભી થશે. જેના કારણે ફતેગંજ પોલીસ મથકના કર્મચારીઓમાં ભારે ફફાડાટ ફેલાયો છે. જ્યારે સંડોવાયેલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ આવા સંગીન ગુનામાંથી બચવાના ઉપાયો શોધી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એસીપીએ અગાઉ આ મામલે હાથ ધરેલી તપાસમાં નાના પોલીસ કર્મચારીઓએ વટાણાં વેરી નાખ્યા હતા અને ઘટનાની હકીકત નિવેદનમાં જણાવી દીધી હતી. આ નિવેદનથી અધિકારીઓ ફસાઈ જશે એવો ડર હવે ઊભો થયો છે જેને લઈ ખુદ એસીપીની તપાસ અને નિવેદન સામે સવાલો ઊભા થાય એવા પ્રયત્નોમાં ફતેગંજ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ લાગ્યા છે. એ માટે નિવેદન લખાવી ચૂકેલા પોલીસ કર્મચારીઓ ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

એસીપીને આપેલા નિવેદન સમયે બળજબરીપૂર્વક અમારી પાસે નિવેદન લેવાયું હતું એવું સોગંદનામું કરાવવા માટે પોલીસ કર્મચારીઓ ઉપર ભારે દબાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ કસ્ટોડિયલ ડેથનો બનાવ હત્યામાં ફેરવાય તો કડક સજા પણ થઈ શકે અને નોકરી પણ જાય એવી ચિંતામાં પડેલા કસૂરવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે અને પોતાના ખાતામાં એસીપીની તપાસ સામે સવાલો ઊભા કરી આખો મામલો ગૂંચવી નાખવામાં પડયા હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે. આમ હાઈકોર્ટના વલણને લઈને શહેર પોલીસ વિભાગમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે અને સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ પોતાના વિભાગના જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખોટા પાડી પોતે બચવાના ફાંફાં મારી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.