ભરૂચ, સરકાર વાહનોમાંથી નીકળતાં ધુમાડાઓને કારણે ફેલાતા પ્રદુષણને રોકવા અવનવા કાયદા અને નિયમો લાવી રહી છે પણ ખુદ સરકારી બાબુની ગાડી કે જે ખુદ પ્રદુષણનો પર્યાય બની હોય તેવા દ્રશ્યો કેમેરામાં ઝડપાયા છે. દેશમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં વાહનોમાંથી નીકળતાં ધુમાડાઓથી ફેલાતા પ્રદુષણની માત્રામાં વધારો થયો છે. વાહનોના ધુમાડાથી ફેલાતું પ્રદુષણ રોકવા માટે સરકાર નવા કાયદાઓ અને નિયમો અમલી બનાવી રહી છે. વાહનચાલકો માટે પીયુસી પણ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આવા સંજાેગોમાં ખુદ સરકારી ગાડી જ ધુમાડા ઓકતી જાેવા મળે. તો પ્રજાને એવો વિચાર સહેજે થાય કે શું બધા નિયમો સામાન્ય માણસો માટે જ છે. સરકારી બાબુઓને બધી છુટ છે.

ભરૂચના જિલ્લા પુરવઠા અધિકારીની સરકારી જીપનો વિડીયો વાયરલ થઇ રહયો છે. સરકારી ગાડીમાંથી એટલો ધુમાડો નીકળી રહયો છે કે નજીકમાંથી પસાર થતાં લોકોને સીધી અસર પહોંચે, તેમની આંખોમાં બળતરા થાય, શ્વાસ લેવામાં તકલીફ પહોંચે, ફેફસાંને નુકશાન પહોંચે, ધુમાડાથી ધુંધળુ થઈ જાય. સામાન્ય નાગરિકો પાસે નિયમોનું પાલન કરાવવામાં માહિર તંત્ર આ ઘટનામાં પણ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે. સરકારી તંત્ર જ નિયમનો ભંગ કરે છે તે પુરવાર થયું હતું.