મુંબઇ

મેહંદી', 'ફરેબ' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું નિધન થયું છે. 46 વર્ષીય સ્ટાર બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા. તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમના મૃત્યુના સમાચાર પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપ્યા છે.

પૂજાએ ટ્વીટ કર્યું કે, 'ભારે હૃદય સાથે જણાવું છું કે ફરાઝ ખાન આપણને છોડીને જતા રહ્યા છે અને હું માનું છું કે કોઈ સારી જગ્યાએ તેઓ ગયા છે. જ્યારે તેને ખૂબ જરૂર હતી ત્યારે તમારા બધાની મદદ અને વિશ માટે આભાર. પ્લીઝ તેના પરિવાર માટે પ્રાર્થના કરજો. તેના જવાથી જે ખાલિપો સર્જાયો છે તે ભરવો અશક્ય છે.'

ફરાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, હોસ્પિટલ આવ્યા બાદ અમને ખ્યાલ આવ્યો કે મગજમાં હર્પીઝનો ચેપ લાગ્યો હોવાને કારણે તેને અટેક આવતા હતા. ચેપ છાતીથી મગજ સુધી ફેલાઈ ગયો છે. તેને ICUમાં જરૂરી સારવાર આપવા માટે 25 લાખ રૂપિયાની જરૂર હતી. એક્ટ્રેસ પૂજા ભટ્ટે આ ટ્વીટ કરીને કહ્યું હતું, પ્લીઝ શેર કરો અને શક્ય હોય તો યોગદાન કરો.' 

ત્યારબાદ સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો હતો અને તેણે ફરાઝના મેડિકલ બિલના પૈસા ભર્યા હતા. પરંતુ ફરાઝ જિંદગીની લડાઈ હારી ગયા.

ફરાઝ ખાન વિતેલા સમયના કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન ('અમર અકબર એન્થોની' ફેમ જેબિસકો)ના દીકરા છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ 'મેહંદી' (1998)માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેણે 'ફરેબ', 'પૃથ્વી', 'દિલ ને ફિર યાદ કિયા' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.