વડોદરા, તા.૧૮ 

વડોદરા શહેર નજીક નેશનલ અને એક્સપ્રેસ હાઈવે પર અલગ અલગ આજવા ચોકડી અને આજાેડ બ્રિજ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માતના બે બનાવો બનવા પામ્યા હતા જેમાં એક વેપારી અને એક નોકરિયાત વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.

હોસ્પિટલ અને પોલીસ સૂત્રોમાંથી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સાવલી તાલુકાના પીલોલ ગામના પંચાલ ફળિયામાં કનુભાઈ ગોરધનભાઈ પરમાર રહે છે. તેઓ કરજણ હાઈવે પર આવેલ પોર નજીક બામણ ગામની સીમમાં આવેલ કંપનીમાં નોકરી કરે છે. તેઓ રોજ બાઈક ઉપર સાવલીથી બામણ ગામ અપ-ડાઉન કરતા હતા. આજે સવારે કનુભાઈ પરમાર તેમના રોજના સમયે કડકડકતી ઠંડીમાં બાઈક ઉપર નેશનલ હાઈવે પર જતા હતા. તેઓ પોર તરફ આવવા માટે આજવા ચોકડી ક્રોસ કરી રહ્યા હતા એ દરમિયાન સવારે ઠંડીની સાથે હાઈવે પર ધુમ્મસને કારણે રાજસ્થાન પાસિંગની ટ્રકના ચાલકે કનુભાઈ પરમારની બાઈકને ટક્કર મારી હતી. જેના લીધે તેઓ ચાલુ બાઈક ઉપર હાઈવે પર ફંગોળાઈ જતાં તેમને શારીરિક તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાની તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત મોતના બનાવની જાણ બાપોદ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ બનાવના સ્થળે આવી પહોંચી હતી અને કનુભાઈના ખિસ્સામાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ અને કંપનીનું આઈકાર્ડ મળી આવ્યું હતું જેના આધારે પોલીસે કનુભાઈ પરમારના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરતાં તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. જ્યારે અકસ્માત મોતના બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ તાલુકાના ચકલાસી ગામના રોહિતવાસમાં રહેતા પરસોત્તમ ગલાભાઈ રોહિત (ઉં.વ.પપ) છૂટક વિવિધ અથાણાં વેચવાનો વ્યવસાય કરતા હતા. તેઓ આજે સવારે ધંધા અર્થે નડિયાદથી વડોદરા ખાતે આવવા માટે ખાનગી ઈકો ગાડીમાં મુસાફર તરીકે બેઠા હતા. ઈકો ગાડીનું ડ્રાઈવિંગ અમદાવાદ ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં રહેતો હર્ષ પ્રવીણભાઈ શર્મા (ઉં.વ.૨૧) કરી રહ્યો હતો. તે એક્પસપ્રવે હાઈવે પરથી પૂરઝડપે ગાડી હંકારી રહ્યો હતો તે દરમિયાન હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે તે હાઈવેની બાજુએ ઊભેલા ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો જેમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા પરસોતમભાઈ રોહિતને ઈજાઓ થતાં તેઓનું મોત થયું હતું. અકસ્માત મોતના બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.