વાઘોડિયા, તા.૨૦  

આજે વહેલી સવારે વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલ જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝના સોલ્વન્ટ પ્લાન્ટમાં રાખેલા કેમીકલમાં અચાનક આગ લાગી હતી. આગને જોઈ કંપનીમા નાઈટ શિફ્‌ટમા કામ કરતા આશરે ૪૦ જેટલા કામદારો પોતાનો જીવ બચાવી કંપની બહાર દોડી ગયા હતાં. વડોદરા, જીએસએફસી તેમજ ગેઈલ ઇન્ડિયાનાં ફાયર ડિપાર્ટમેન્ટે ૧૦ કલાકની સંયુક્ત જહેમત બાદ આગ પર કાબુ  મેળવ્યો હતો.  

ખેતીના ઉત્પાદકો માટે જંતુનાશક દવા બનાવતી વાઘોડિયા જીઆઇડીસીની જય એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે ૩ વાગ્યાની આસપાસ પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કંપનીના ચાર પૈકીનાં એક શેડમાં સોલવન્ટ જેવા જ્વલનશીલ કેમીકલના બેરલો હોવાથી ગરમીના કારણે ઘડાકાભેર બેરલો ફાટી પડ્‌યા હતા.પવન અને અત્યંત જ્વલનશીલ પ્રવાહીને કારણે જોતજોતામા આગે કંપનીના ચારેય શેડને ઝપેટમાં લીધા હતાં. ઘટનાની જાણ વાઘોડિયા મામલતદાર, વાઘોડિયા પોલીસ, ફેક્ટરી ઈસ્પેક્ટર વગેરેને કરતા તેવો પણ કંપનીએ આવી પહોંચ્યા હતાં. ભીષણ આગની જ્વાળાઓ અને ધૂમાડાથી આકાશ છવાઈ ગયુ હતુ. જે પાંચ-છ કિમી દુરથી પણ દ્રશ્યમાન થઇ રહ્યું હતું. ફેક્ટરીમા આગ લાગી તેવી વાત વહેતા થતાં લોકોમા અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટના આગનો મેજર કોલ હોવાથી ગેલ ઈન્ડીયા ઈમરજન્સી સર્વીસે અપોલો, ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરીટી, વડોદરા મહાનગર પાલીકા જેવી અનેક જગ્યાઓથી અગ્નીશામક દળોને મદદ માટે બોલાવ્યા હતાં. જેમના ૫૦થી વધુ ફાયરફાઈટરોએ ભેગા થઈ કંપનીને ચારેબાજુથી ઘેરી પાણીનો મારો ચલાવવાનો શરુ કર્યો હતો. જોકે કેમિકલમાં લાગેલી આગ પાણીથી કાબુમા આવવાના બદલે વધુ પ્રસરી હતી. જેથી આગને કાબુમા લેવા ફોમનો મારો ચલાવ્યો હતો. આગની પ્રચંડ જ્વાળાઓ઼એ કંપનીના ત્રણ માળના બિલ્ડીંગને લપેટે લેતા આગ બેકાબુ બની હતી. ફાયરફાઈટરો એ ૧૦ કલાક ની ભારે જહેમત બાદ લાખો લિટર પાણી અને હજારો લિટર ફોમથી આગને સાંજે ૪ઃ૩૦ વાગ્યા સુધીમાં કાબૂમાં લીધી હતી. આગની જ્વાળાઓમાં કંપનીનુ જંતુનાશક દવા બનાવવા માટે વપરાતુ તમામ પ્રકારનુ કેમીકલ, મશીનરી, બિલ્ડીંગ, પતરાના શેડ, પેકીંગ મટેરીયલ્સ, રો મટેરીયલ્સ સહિતની તમામ વસ્તુઓ બળીને ખાક થઇ જતા કંપનીને કરોડોનુ નુકશાન પહોંચ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.  


એકપણ ઇમર્જન્સી સર્વિસનો નંબર ન લાગ્યો  

વહેલી સવારે ફાટી નીકળેલી આગ બાદ શિફ્‌ટના સુપરવાઈઝર તેમજ સ્ટાફના લોકોએ તમામ ઈમરજન્સી નંબર પર કોલ કર્યા હોવા છતાં કોલ લાગ્યો ન હતો. કામદારો સાથે સુપરવાઈઝર નજીકમાં જ આવેલ ગેલ ઈન્ડીયામાં રૂબરૂ જઈને પરિસ્થિતિ સમજાવતા સૌપ્રથમ ગેલ ઈન્ડીયાના ફાયર ફાઈટર મદદે આવ્યા હતાં. જોકે સમયસર ઈમરજન્સી સેવાનો સંપર્ક નહિ થતાં મદદે પહોંચતા ફાયર વિભાગને એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યાં સુઘીમા આગે પોતાનુ વિકરાળ સ્વરુપ ધારણ કરી અન્ય પ્લાન્ટમાં પ્રસરવાનુ શરૂ કરી દિઘુ હતુ.  

ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ હોવા છતાં ફાયર સ્ટેશન અપાતું નથી

વાઘોડિયા જીઆઇડીસીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, વાઘોડિયા જીઆઇડીસી એક મોટો ઔદ્યોગિક વિસ્તાર છે. વર્ષમાં અનેકવાર નાની મોટી આગ લાગવાની ઘટના બને છે. ત્યારે વેપારીઓએ અને જીઆઇડીસી એસોસિયેશન વર્ષોથી ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે. અમારુ પોતાનુ આગવુ ફાયરસ્ટેશન હોય તો ગામલોકોને તેમજ જીઆઇડીસી વિસ્તારમાં બનતી ઘટનાઓમાં નુકસાનીમાંથી બચાવી શકાય અને કંપની માલીકોને આર્થિક ફટકો ભોગવવો પડે નહિ. અવારનવાર રજુઆતો કરવા છતાં વાઘોડિયાને ફાયરસ્ટેશન અપાતુ નથી.

એક જ પ્લાન્ટમાંથી શરુ કરાયેલ કંપની માટે દુઃખ, કામદારો બચી ગયા તેની ખુશી

એક જ પ્લાન્ટમાંથી શરુ કરવામાં આવેલી અમારી કંપની તમામ કામદારો અને સ્ટાફે ખુબ મહેનત કરીને ઊભી કરી હતી. જોકે કામદારોની સાથે મને પણ દુખ થયુ છે. છતાં સ્વસ્થતા બતાવી કંપનીમા કો઼ઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા નથી થઈ તે ઉપર વાળાની મહેરબાની કહેવાય.

એન.ડી.પ્રસાદ, જય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ

આગની ઘટના નજીક જ ગેલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આવેલી છે

ઘટનાસ્થળથી નજીકમા આવેલ ગેલ ઈન્ડિયા આવેલું છે. જો આગની લપેટો ત્યાં સુઘી પહોચીં હોત તો ભોપાલ જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી દહેશત ગ્રામજનોમા જોવા મડી હતી. જોકે ગેલ ઈન્ડીયા પાસે અત્યંત આઘુનીક સેન્સર સિસ્ટમ હોવાથી આપોઆપ વોટર સ્પ્રેડ સિસ્ટમ ચાલુ થઈ ગઈ હતી. તાપમાનનો પારો વધતા સેન્સર એક્ટીવ થઇ જાય છે અને જાતે જ એરીઆને એક્ટીવ કરી વોટરફ્‌લો ચાલુ કરી દે છે. છતા પણ ભીષણ આગને પગલે ફાયર વિભાગે મેજરકોલ જાહેર કરાતા વિસ્તારને ખાલી કરાયો હતો. સાથે જ રોડ પર બેરીકેડ સાથે પોલીસ કાફલો તૈનાત કરી વાહન વ્યવહારને અન્ય રસ્તે ડાયવર્ટ કરાયો હતો.