નવી દિલ્હી

દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠક બપોરે 12.30 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જેમાં મમતા બેનર્જી અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલ આમાં સામેલ થયા નથી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ વેક્સિનેશન વધારવાની વાત કરી હતી. જોકે બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર બંગાળને વેક્સિન આપી રહી નથી.

લગભગ 70 જિલ્લાઓ એવા છે કે જ્યાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના કેસો વધ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મમતાએ કેન્દ્ર સરકાર પર તંજ કસ્યો હતો. પીએમ મોદી એકબાજુ કોરોના સંકટ પર બેઠક કરી રહ્યા હતા, તે જ સમયે મમતા એક રેલીમાં બોલ્યા હતા કે, કેન્દ્ર સરકાર બંગાળને વેક્સિન આપી રહ્યું નથી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પણ કેસ લગભગ બમણી ઝડપે સામે આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોના પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે, નહીંતર સ્થિતિ વણસી શકે તેવી સંભાવનાઓ રહી છે. દેશમાં કોવિડ વેક્સિનેશન સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. અત્યારે ભારતમાં કોરોના મહામારીના કારણે મૃત્યુંદર ઘણો ઓછો છે. પરંતુ સ્થિતિની ગંભીરતાને સમજીને કેસોને રોકવા માટે અત્યારથી જ પગલા લેવાની શરૂઆત કરી દેવાનું સૂચન તેઓએ કર્યું હતું.

15 માર્ચના આંકડા મુજબ પંજાબ,ગુજરાત,છત્તીસગઢ,મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે, જ્યાં રસીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન કોરોના મહામારીને કારણે તેમનાં રાજ્યોની પરિસ્થિતિ, રસીકરણ અને સંક્રમણને નિયંત્રણમાં લેવાના પ્રયત્નો અંગે મુખ્યમંત્રીઓનો પ્રતિસાદ લઈ શકે છે.