અંક્લેશ્વર -

અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહત માં આવેલ પાર્થ કેમિકલમાં ધડાકા સાથે પ્રચંડ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. બે કલાક ઉપરાંત ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી.

અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક ક્ષેત્ર માં આવેલ પી.ઈ.ટી.એલ કંપની ની બાજુની પાર્થ કેમિકલ કંપની માં બુધવાર ની રાતે અચાનક આગ ફાટી નીકળી હતી. દિવસ દરમ્યાન વરસેલા મુશળધાર વરસાદ વચ્ચે પાર્થ કેમિકલ કંપની માં આગ ફાટી નીકળી હતી. જ્યાં આગમાં સોલ્વન્ટ બેરલ ધડાકાભેર ફાટતા આકાશમાં આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા પાનોલી ફાયર વિભાગ, અંકલેશ્વર ડીપીએમસી, અંકલેશ્વર નગર પાલિકા સહિત આંઠ ઉપરાંત ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે દોડી આવી બે કલાક ઉપરાંત ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે ઘટના માં સદનસીબે કોઈ જાનહાની નહીં નોંધાતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. નોંધનીય છે કે આ કંપની સોલ્વન્ટ રિકવરી ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સાથે જ અન્ય ગોડાઉનમાં ડ્રમો રાખવા બદલ જીપીસીબીએ અગાઉ આ કંપનીની નોટીસ પણ ફટકારી હતી.