સતલાસણા  : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. શુક્રવારથી ઉત્તર ગુજરાતના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી રહી છે. ઉત્તર ગુજરાતની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. રાજ્યમાં સવારે આઠ વાગ્યા સુધીમાં ૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. મહેસાણાના સતલાસણમાં બે જ કલાકમાં પોણા પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભિલોડામાં ૧.૫ ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણના સિદ્ધપુરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જાેર વધ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને પગલે પ્રતિ સેકન્ડ ૧૮૦૫૫ ક્સુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમની સપાટી ૬૦૪.૯૫ ફૂટ પર પહોંચી ગઈ છે. હજી બે દિવસ ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવકની ક્યુસેક હાલ ડેમમાં ૪૫.૪૯ ટકા પાણી થયું છે. ભારે વરસાદને પગલે અરવલ્લીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. શામળાજી પાસે મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મેશ્વો ડેમમાં ૩૨૬૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેથી મેશ્વો ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી ૨૧૦.૬૯ ફૂટ નોંધાઈ છે. ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ પેદા થઈ છે. પૂરની સ્થિતિથી નદી કિનારાના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયા છે. જેથી જિલ્લા ક્લેક્ટર તલાટીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે.

ભિલોડામાં ૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો

અરવલ્લી,ભિલોડા : અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ભિલોડાની સવિલ હોસ્પિટલમાં પાણી ભરાઇ જતા દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ કફોડી હાલતમાં મુકાયા હતા ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪ કલાકમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. કેનાલો પણ તૂટી ગઈ હતી. સૌથી વધુ કફોડી સ્થિતિ નારાણપુર ગામમાં જોવા મળી હતી. ઘરોની અંદર પાણી ઘુસી ગયા હતા. મોડાસા શહેરમાં સવારે મેઘરાજાની કડાકા ભડાકા સાથે સવારી આવી પહોંચતા ચાર રસ્તા પર તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.  મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં શનિવારે વહેલી સવારથી ભારે મેઘ ગર્જના સાથે વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા, ભડાકા સાથે શહેરમાં ખાબકેલા ૨ ઈંચ જેટલા વરસાદથી ઠેરઠેર પાણી ભરાઈ જતા શહેરના ધબકતા જનજીવન પર બ્રેક લાગી હતી.શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહનચાલકો પણ ભારે પરેશાન બન્યા હતા. ક્યાંક પાણીમાં વાહનો બંધ થઈ જવા પામ્યા હતા. શહેરના હાર્દસમા ચાર રસ્તા,કડિયાવાડા રોડ અને જુના બસસ્ટેન્ડ પાછળના  વિસ્તારોમાં ૨ ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.મોડાસા જીઆઈડીસીથી જિલ્લા સેવાસદન રોડ પર ૬ જેટલા વીજપોલ નમી પડ્યા હતા. કેટલાંક વિસ્તારોમાં વીજ ડૂલ થઇ જતા લોકોએ અંધારા ઉલેચવા પડ્યા હતા.

ભારે વરસાદની બેટિંગ જાેતાં એનડીઆરએફની ટીમ સજ્જ કરાઈ

અરવલ્લીમાં વરસાદી પાણીથી પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. ધીરે ધીરે વરસાદનું જાેર વધી રહ્યું છે. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ પહોંચાડી દેવાઈ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર સજ્જ કરી દેવાયું છે. ભિલોડા અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીના ભિલોડા, મોડાસા, ઈડર રોડ પર ઠેર ઠેર વરસાદી પાણીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે. અરવલ્લીના મોડાસા પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા નગર સહિત લાલપુર કંપા, સબલપુર, અનંદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી મોડાસા ચાર રસ્તા પર વરસાદી ભરાયા છે.