સુરત: રાજ્યભરમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી ભારે વરસાદ યથાવત વરસી રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત માંગરોળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. માંડવી તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજ તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ જ્યારે ઓલપાડ અને સુરત શહેરમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદથી ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. સુરતના પોલારીશ માર્કેટ પાસેથી 75 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. તો બીજી તરફ, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડ-હાથીસા રોડ પર ઘુંટણસમા પાણી ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. જેને કારણે નાના વાહનોની અવરજવર બંધ થઈ છે.

શાંતિનગર, સિદ્ધનાથનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. તો ઓલપાડ વિશ્રામગૃહમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો દેખાયા છે. સતત વરસાદને પગલે સુરતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સુરતમાં આવેલી સેના ખાડી ઓવરફલો થતા સમસ્યા વધુ વકરવાની સ્થિતિ ઉદભવી છે. સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં પણ પાણીનું સ્તર વધી રહ્યું છે, જેથી લોકો રેસ્ક્યૂ કરવાની ફરજ પડશે.