દાહોદ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્‍ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્‍ટ્રપ્રેમથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ રાજયપાલ અને મુખ્ય મંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું. આ અવસરે પોલેન્ડના વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિવાસી પંથક દાહોદના આંગણે યોજાઇ હતી.  ૧૨ પ્લાટુનમાં ગુજરાત પોલિસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટશ્રી વિકાસ સુંદા નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી.પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદ વાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા.