વડોદરા. તા. ૧૩

શહેરના મોટનાથ તળાવ સ્થિત લેકઝોનમાં સર્જાયેલા હોડીકાંડમાં ૧૪ નિર્દોષ લોકોના મોત નિપજવાના બનાવને ૨૭ દિવસ વિતી ગયા છે તેમ છતાં લેકઝોનના મુખ્ય સૂત્રધાર પરેશ પટેલનો પરિવાર જે લેકઝોનમાં ભાગીદાર છે તેઓના પોલીસને કોઈ જ સગડ નહી મળતાં હોડીકાંડના મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવમાં ઝડપાયેલા લેકઝોનના બે ભાગીદાર ભાઈઓ ધર્મિલ અને દિપેન શાહના રિમાન્ડનો સમયગાળો આજે પૂરો થતાં બંનેને જેલભેગા કરાયા હતા.

લેકઝોન હોડીકાંડમાં પોલીસે લેકઝોનના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપની કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો સામે ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર નહી હોવા છતાં લેકઝોનનું સમગ્ર સંચાલન પરેશ શાહ કરતો હોવાનું અને તેની પત્ની નુતન, પુત્ર વત્સલ અને પુત્રી વૈશાખી ભાગીદાર હોવાનું સપાટી પર આવતા પોલીસે પરેશ શાહની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડ પૂરાં થતાં તેને જેલભેગો કર્યો છે. જાેકે લેકઝોનનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ અને તેનો પરિવાર સાથે ભાગ્યો હોવાનું કહેવાય છે પરંતું પરેશે તેનો પરિવાર ક્યાં ભાગ્યો છે તેની ખબર નથી તેમ કહીને પોલીસને ગોળગોળ જવાબ આપી રિમાન્ડનો સમયગાળો સિફતતાપુર્વક પુરો કરી દીધો છે.

આ બનાવમાં પરેશ શાહ સાથે તેનો પુત્ર વત્સલ પણ મુખ્ય સંચાલક હોવાનું સપાટી પર આવ્યું છે. હોડીકાંડને ૨૭ દિવસ વિતી ગયા છે પરંતુ તેમ છતાં પરેશ શાહના પરિવારના પોલીસને હજુ સુધી કોઈ સગડ નહીં મળતાં પરેશનો ભાગેડુ પરિવાર પોલીસ કરતા વધુ ચાલાક સાબિત થયો છે. આ કેસમાં તાજેતરમાં ઝડપાયેલા લેકઝોનના ભાગીદાર ભાઈઓ ધર્મિલ શાહ અને દિપેન શાહના રિમાન્ડનો સમયગાળો આજે પૂરો થતાં બંનેને કોર્ટમાં રજુ કરાયા હતા. પોલીસે તેઓના વધુ રિમાન્ડની માગણી કરી હતી, જે નામંજૂર થતાં બંનેને જેલભેગા કરાયા હતા.