/
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં વડોદરાના પાંચને ફાંસીની સજા

વડોદરા, તા.૧૮

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડમાં બ્લાસ્ટ કરનારા ર૬ને એકસાથે ફાંસીની સજાના ચુકાદા બાદ અમદાવાદ બ્લાસ્ટ કેસમાં દેશના ઈતિહાસમાં પ્રથમવાર ૩૮ દોષિતોને ફાંસી અને ૧૧ને જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલની સજાનો ચુકાદો આપ્યો છે. આ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા વડોદરાના પાંચને પણ ફાંસીની સજા જાહેર થઈ હતી. જેના પગલે એમના રહેઠાણની આસપાસના વિસ્તારોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. વહેલી સવારથી પોલીસની ટીમોએ મુસ્લિમ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો.

ચુકાદામાં શહેરના વાડી તાઈવાડા વિસ્તારના ચાર અને ભોયવાડાના એક મળી પાંચને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જાે કે, આ ચુકાદાની કોઈ ઊંડી અસર પડી હોય એમ એમના રહેઠાણની આસપાસના વિસ્તારોમાં લાગતું ન હતું. આજે શુક્રવાર હોવાથી જુમ્માની નમાજ બાદ આ વિસ્તારમાંથી લોકો શાંતિપૂર્ણ રીતે પોતપોતાના ઘરે કે કામધંધા ઉપર પરત ફરી રહ્યા હતા. આ વિસ્તારોમાં સન્નાટો જાેવા મળ્યો હતો. પરંતુ કોઈ ઉશ્કેરાટ કે વિરોધ જાેવા મળ્યો ન હતો. જાે કે, પોલીસ વિભાગે ચુકાદને પગલે વહેલી સવારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સતત પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. દોષિતોના પરિવારજનો ચુકાદાને પગલે અમદાવાદ પહોંચી ગયા હતા, જ્યારે પાડોશીઓ ચુકાદાને લઈને કાંઈપણ બોલવા તૈયાર ન હતા. આ વિસ્તારોમાં અવરજવર સામાન્ય અને શાંતિપૂર્ણ રહી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ પાંચેય સિમિ સાથે સંકળાયેલા હતા, જે પાછળથી ઈન્ડિયન મુજાહિદ્દીન બન્યા હતા. દોષિતો વિસ્તારમાં સામાન્ય રીતે ફરતા હતા. કોઈને પણ શંકા ન જાય એવી પ્રવૃત્તિ કરતા ન હતા. પરંતુ મૌલવીઓની ભડકાઉ તકરીર સાંભળી સિમિ સાથે જાેડાયા હતા અને સિમિના સ્લીપર સેલનો એ સમયનો માસ્ટરમાઈન્ડ સફદર નાગારી સાથે જાેડાયા હતા. બ્લાસ્ટ અગાઉ વડોદરામાં સફદર નાગારી સાથે બેઠકો પણ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું અને પાવાગઢની તળેટીમાં આવેલી દરગાહમાં રહી ક્વોરીઓના ખાડાઓમાં ટ્રેનિંગ અપાઈ હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું.

પાંચ દોષિતોને ફાંસીની સજા

• મોહંમદ ઉસ્માન મોહંમદ અનીસ અગરબત્તીવાળા (રહે. મહંતનો ખાંચો, વાડી, તાઈવાડા)

• ઈમરાન ઈબ્રાહિમ શેખ (રહે. પાંજરીગર મસ્જિદની પાસે, વાડી, તાઈવાડા)

• ઈકબાલ કાસમ શેખ (રહે. યાકુબપુરા કબીર કેમ્પ, ભોઈવાડા નાકા)

• કયામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે અશફાક ઉર્ફે અબ્લુક કાદીર ઉર્ફે રીઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડિયા (રહે. વાડી, તાઈવાડા, કુંભારવાડા, સ્વામીનારાયણ મંદિર પાછળ)

• રફીયુદ્દીન સરફુદ્દીન કાપડિયા (રહે. બાગેચીસ્તિયા તાઈવાડ, કુંભારવાડાની વાડી, સ્વામીનારાયણ મંદિર પાછળ મૂળ ગામ હાંસોટ, ભરૂચ)નો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution