દુબઇ 

આઈપીએલની 13મી સીઝન કોરોના વાઈરસ વચ્ચે યુએઈમાં દર્શકો વગર રમવામાં આવી રહી છે. ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા માટે બાયો-સિક્યોર વાતાવરણ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ ICCએ પણ બોલ પર થૂંક ન લગાવવા જેવા ઘણા પ્રતિબંધો લગાવી દીધા છે, પરંતુ ખેલાડીઓની આદત હોવાથી તેઓ ક્યાંક આવી ભૂલ કરી જ બેસે છે. હવે આ ભૂલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીથી પણ થઈ છે.

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કોહલી ફિલ્ડિંગ દરમિયાન બોલ પર થૂંક લગાવવા જતાં જ હતા અને ત્યાં તેમને નિયમ યાદ આવી ગયો અને તેઓ રોકાઈ ગયા હતા. જોકે ત્યાં સુધી વિરાટે બોલ પર હાથ ફેરવી લીધો હતો. આ પહેલાં રાજસ્થાન રોયલ્સના રોબિન ઉથપ્પાએ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં બોલ પર થૂંક લગાવ્યું હતું.

IPLની 13મી સિઝનની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 59 રનથી હાર આપી છે. આ IPLમાં બેંગલોર સામે દિલ્હીની સૌથી મોટી જીત છે. આ અગાઉ દિલ્હીએ બેંગલોરને 2010માં 37 રનથી હાર આપી હતી. આ જીત સાથે જ દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયુ છે. માર્ક્સ સ્ટોઈનિસ (53 રન નોટઆઉટ) અને કગિસો રબાડા (4 વિકેટ) જીતના હીરો રહ્યા.