બાયડ : બાયડ તાલુકામાં ગણેશ ચતુર્થીની સાંજે આઠ વાગ્યાથી લઈ સવારે સુધી સતત મુશળધાર વરસાદ વરસતા બપોરે બાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ ઉપરાંત વરસાદ થયો હતો. જેને લઈ બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલું રામનું તળાવ મોસમમાં પ્રથમવાર ઓવરફલાૅ થતા આજુબાજુના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.રામના તળાવની આજુબાજુમાં વસતા ખેડૂતોના જણાવ્યા અનુસાર હવે શિયાળુ વાવેતર માટે બોર કૂવાના જળસ્તર ઉંચા આવતા પાણી ખૂટશે નહીં. જેથી શિયાળુ પાક માટે પાણીની કોઇ તકલીફ નહિ પડે. આ દરમ્યાન રવિવારના રોજ નોંધાયેલ ચાર ઇંચ વરસાદને લઈ બાયડ નગરપાલિકા વિસ્તારમાં આવેલા નીચાણવાળા ભાગોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બાયડ -ગાબટ રોડ પર આવેલા અયોધ્યા નગરમા જવાના મુખ્ય રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઇ જતા નગરપાલિકા સત્તાધીશો સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આમ પણ નગરપાલિકામાં છેલ્લા બે મહિનાથી કાયમી ચીફઓફીસર નથી, જેને લઈ લોકોના કામ અટવાઈ ગયા છે. પરંતુ બાયડ નગરપાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફીસર તરીકે સામેથી આવવા તૈયાર નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહયું છે. જેથી તલોદ નગરપાલિકાના ચીફ ઓફીસરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.