અંક્લેશ્વર

ઝઘડીયા તાલુકા ના ગુમાનદેવ પાસે વાહન ની રાહ જોઇને ઉભેલી ત્રણ મહિલા અને એક પુરૂષ માટે ડમ્પર કાળ બનીને ત્રાકટયું હતુ. ડમ્પર ના ચાલકે ચારેયને ટકકર મારતા ત્રણ મહિલા ના મોત થયા હતા, જયારે પુરૂષને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ ચકકાજામ કરી દીધો હતો.

ઝઘડિયા તાલુકા માં રેતી, માટી તથા કપચી ભરેલા ડમ્પરો ની સંખ્યા માં વધારો થયો છે. બેફામ રીતે દોડતા ડમ્પરો અનેક નિર્દોષ લોકોનો જીવ લઇ રહયા છે. આવી જ એક ઘટના બુધવાર ના રોજ સવારે ગુમાનદેવ નજીક બની હતી. એક ડમ્પર ચાલકે ૩ મહિલા ઓ અને એક પુરૂષને અડફેટે લીધા હતા. જે પૈકી ૨ મહિલાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. જ્યારે એક પુરૂષની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક મહિલા ઓ રેખાબેન હસમુખભાઇ પટેલ, જશીબેન સોમાભાઇ પટેલ અને તારાબેન રમસંગભાઇ વસાવા હોવાનું જાણવા મળ્યુ હતુ. જયારે બુધાભાઇ વસાવા ઘાયલ થયા હતા.

અકસ્માત ના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જતા રોડ પર વાહનોની લાઇનો લાગી ગઇ હતી. ગ્રામજનો ના સ્ટેચ્યૂ ઓફ યુનિટી રોડ પર ચક્કાજામના પગલે ટ્રાફિક તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પણ સ્થાનિકોના રોષનો ભોગ બનવુ પડ્યું હતું. લોકોએ પોલીસનો ઘેરાવ કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર્સ મૂકવાની માંગ કરી હતી.૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એકતા દિવસ ની ઉજવણી થવાની છે. ઝઘડિયા પોલીસ પણ બંદોબસ્ત માં કેવડિયામાં છે, ત્યારે ચક્કાજામને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા.હીટ એન્ડ રનની ઘટના બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો.

ગોઝારા અકસ્માત બાદ ડમ્પર ચાલક ને શોધવા લોકોએ ગુમાનદેવ મંદિર ના મહંત પાસે સીસીટીવી ફુટેજની માંગણી કરી હતી પણ મહંતે ફુટેજ આપવાનો ઇન્કાર કરતા મહિલા ઓ અને લોકો વિફર્યા હતા અને મહંતને માર મારવાની શરૂઆત કરી દીધી હતી. મારામારી માં મહંત ના કપડા સુધ્ધા ફાટી ગયા હતા. હાલ તો પોલીસે અકસ્માત તથા મારામારી બંને ગુના ની તપાસ હાથ ધરી હતી.

મંદિરના ગેટ પર લાગેલસીસીટીવી ફૂટેજ આપવામાં નાનૈયા ભરતા ટોળાએ મહંત સાથે હાથાપાઈ કરીગુમાનદેવ મંદિર સામે જ બનેલ ગમખ્વાર અકસ્માતના પગલે ગ્રામજનોએ ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. ત્યારે કોઈ કારણોસર મહંતે સીસીટીવી ફૂટેજ નથી તેમ કહેતા લોકોમાં રોષ ભભૂકયો હતો. જેમાં સીસીટીવી ફૂટેજ આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એક સમયે રોષે ભરાયેલા ટોળાએ મહંતના કપડાં ફાડી સંકુલ બહાર લાવી હાથાપાઈ કરી મહંતનું જુલુશ કાઢ્યું હતું. ઘટના બાદ મહંત દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગ્રામજનો દ્વારા મહંત મોટા ભ્રષ્ટાચાર કરતાં હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

વારંવાર આ જગ્યાએ ગમખ્વાર અકસ્માતો નોંધાયા છે

ગુમાનદેવ મંદિર બસસ્ટેન્ડ પાસે ભૂતકાળમાં એક વિધાર્થીનીનું પણ ટ્રક ચાલક દ્વારા અકસ્માત નોંધાયું હતું. જ્યારે ગુમાનદેવ મંદિરના ગેટ પાસે આવેલ ચા નાસ્તાની દુકાનમાં ટ્રક ઘુસી ગઈ હતી, જેમાં દુકાન સંચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. લોકચર્ચા મુજબ ગુમાનદેવ બસસ્ટેન્ડ પાસે બંને તરફ સ્પીડ બ્રેકર મુકવા માટે ગ્રામજનો દ્વારા મૌખિક અને લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ કુંભકર્ણની નીંદરમાં રહેતું તંત્ર કોઈનો ભોગ લેવાય ત્યારબાદ જાગે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. નેતાઓ પણ ચૂંટણી ટાણે વોટ લેવા આવે છે પણ કામ કરવા દેખાતા નથી, જ્યારે સ્થાનિક નેતાઓ અને ગુમાનદેવ મંદિરના મહંત ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય તેમ લોકોએ આક્ષેપો કર્યા હતા.