આણંદ : ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત પછી જાણે વાવઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ છે! ચરોતરની દૂધનગરી આણંદમાં ત્રણ ટર્મથી જામેલાં છ કાઉન્સિલરના પત્તા કપાઈ ગયાં છે. સાથે સાથે ૬૦થી મોટી ઉંમરના પાંચ વરિષ્ઠે ઘરે બેસવાનો વારો આવ્યો છે! સમજાે કે, પાટીલ ભાઉંના આવાં નિર્ણય પછી દૂધનગરીમાં રાજકીય ઉફાણો આવ્યો છે. એક સવાલ એવો પૂછાઈ રહ્યો છે કે, ૨૪ કલાક સત્તામાં આળોટતાં આ બંને કેટેગરીમાં આવતાં નેતાઓ સત્તાનો સ્વાદ ચાખી ચૂક્યાં હોવાથી હવે સત્તા વગર રહી શકશે કે કેમ? એક ગણગણાટ એવો પણ છે કે, ભાજપમાંથી ટિકિટ નહીં મળે તો આ બધા ભેગાં થઈને ત્રીજાે મોરચો માંડી શકે છે!

સૂત્રોનું જણાવવું છે કે, સોમવારે એકબાજુ કેન્દ્રનું બેજટ ચાલી રહ્યું હતું અને તેનાં વિશે ભાજપના નેતાઓ સોશિયલ મીડિયામાં અને વિવિધ પ્લેટફોર્મ પર બજેટના વખાણ કરી પોરસાઈ રહ્યાં હતાં ત્યા જ બીજી તરફ ભાઉંએ ગાંધીનગરથી ભડાકો કરતાં બજેટ એકબાજુ ભૂલાઈ ગયું હતું અને કોણ કપાશે?ની ચર્ચા વાયરલ થવા માંડી હતી! એકબીજા એકબીજાને પૂછી રહ્યાં હતાં કે, તારાં કેટલાં થયાં? સી.આર.પાટીલના ટિકિટ ફાળવણી માટેના નિયમથી આણંદમાં ત્રણ ટર્મથી જામેલાં છ કાઉન્સિલરના પત્તા કપાઈ ગયાં છે. સાથે સાથે ૬૦થી મોટી ઉંમરના પાંચ વરિષ્ઠે ઘરે બેસવાનો વારો આવ્યો છે! સૂત્રોનું કહેવું છે કે, ત્રણથી વધુ વખત ચૂંટાયેલાં કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ અરવિંદભાઇ પટેલ, શ્વેતલભાઇ અરવિંદભાઇ પટેલ, હિમેશભાઇ જયંતિભાઇ પટેલ (મુખી), સુરેશભાઇ પરસોત્તમભાઇ પટેલ, મધુબેન શંકરભાઇ ગોહેલ અને અમીબેન અતુલકુમાર દણાંકનો સમાવેશ થાય છે, જ્યારે ૬૦થી વધુ ઉંમરની કેટેગરીમાં વિજયભાઇ હરિભાઇ પટેલ (માસ્તર), અનવરભાઇ યુસુફભાઇ વ્હોરા, જનકભાઇ પુનમભાઇ પટેલ, મીતાબેન પ્રફુલભાઇ પટેલ અને કાંતિભાઇ ચાવડાનો સમાવેશ થાય છે. જાેકે, કાંતિભાઈ ચાવડાની હજુ ષષ્ટિપૂર્તિ થઈ નથી, પણ થોડાં દિવસમાં તેઓ પણ સિનિયર સિટિઝનની કેટેગરીમાં આવી જવાના છે. આણંદ નગરપાલિકામાં છેલ્લાં ૨૨ વર્ષથી ભાજપની સત્તા છે. આ સત્તામાં ઉપરના અગિયારે અગિયારનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. ખાસ કરીને આણંદ નગરપાલિકાની ભાજપની ત્રિપુટીના નામે ઓળખાતાં નેતાઓએ પણ ઉંમર અને ત્રણ ટર્મથી વધુ વખત ચૂંટાયાં હોવાથી ઘરે બેસવું પડશે. ભાજપની નવી જાહેર કરેલી નીતિઓને કારણે આ ત્રિપુટી સાથે કુલ ૧૧ કાઉન્સિલરને ટિકિટ નહીં મળે એ લગભગ નક્કી છે.

 દૂધનગરીમાં એવી ચર્ચા છે કે, આ ત્રિપુટી સહિત ૧૧ સિનિયર્સના ચૂંટણી લડવાના દરવાજા બંધ થઈ જતાં અંદરખાને રોષનો માહોલ છે. એવી પણ ચર્ચા છે કે, અગાઉ થયું હતું તેમ આણંદ નગરપાલિકાના ઇલેક્શનમાં ત્રીજાે મોરચો રચાઈને સત્તા કબજે કરવા ખેલ કરવામાં આવશે! કંઈ નહીં તો પોતાની ખુરશી બચાવવા પણ સોગઠાં રચાઈ શકે છે.

સત્તામાં ક્યાં સોગઠાં રચાઈ શકે?

એક ચર્ચા મુજબ, આણંદ નગરપાલિકાના હાલ ભાજપની બોડીના ૨૮ કાઉન્સિલરમાંથી ત્રણ ટર્મથી વધુ વખતથી ચૂંટાયેલાં ૬ કાઉન્સિલરના સીધા પત્તા કપાઈ ગયા છે. આ ઉપરાંત પાંચ કાઉન્સિલર એવાં છે, જેની ઉંમર ૬૦થી વધુ છે. એટલે કે, ૨૮માંથી ૧૧ને હવે ઘરે બેસવાનો વખત આવ્યો છે ત્યારે તેઓ ભેગાં થઈને ભાજપનો ખેલ બગાડી શકે તેમ છે!