હાલોલ : હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ ની મહામારી કારણે આસો નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા જે હવે બીજી નવેમ્બરને સોમવારના રોજ થી રાબેતા મુજબ માતાજીના દર્શન ભાવિ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લઈ આસો નવરાત્રી પર્વ માં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બીરાજમાન શ્રી કાલિકા માતાજી ના દર્શન તા.૧૬ ઓક્ટોબર થી ૧લી નવેમ્બર સુધી એટલે શરદ પૂનમ સુધી યાત્રિકો માટે દર્શન બંધ રાખવાં માં આવ્યા હતા. 

અને મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની વેબસાઈડ ઉપર અને પાવાગઢ માચી ખાતે તેમજ પાવાગઢ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ મેદાનમાં મોટા એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર માતાજી ના લાઈવ દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવામાં આવી હતી. હવે બીજી નવેમ્બરથી રાબેતા મુજબ મંદિર માં માતાજીના દર્શન ખુલ્લા મુકવામાં આવનાર છે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવા

મળ્યું હતું. પાવાગઢનું મંદિર પુનઃ ખુલતાં માતાજીના દર્શનનો લ્હાવો ભક્તોને મળશે. આગામી દિવસોમાં તહેવારોની હારમાળા શરૂ થવાની છે ત્યારે મંદિર પુનઃ ખુલતાં લોકો પૂજા-અર્ચના કરી શકશે. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે તંત્રે ચોકસાઇ

રાખવી પડશે.