આણંદ, તા.૧૮ 

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આગામી તહેવારો ઘરમાં જ રહી ઉજવણી કરવા અને સ્વસ્થ રહેવા આણંદના કલેક્ટર આર.જી. ગોહિલે જાહેર જનતાને અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારે લીધેલાં ર્નિણય મુજબ હવે આગામી તમામ તહેવારો પોતાના ઘરમાંજ રહી ઉજવવા અને જાહેરમાં એકત્ર થવું નહીં તે આપણાં સૌના હિતમાં છે. કલેક્ટર આર.જી. ગોહિલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસનો છેલ્લાં ઘણાં મહિનાઓથી આપણે સામનો કરી રહ્યાં છીએ. તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાં બહાર પાડીને ધાર્મિક તહેવારોની ઉજવણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે આગામી ધાર્મિક તહેવાર ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી અંગે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ગણેશ ઉત્સવ અને મહોર્રમના ઉત્સવ દરમિયાન નાગરિકોએ જાહેર સ્થળો પર સભા-સરઘસ, વિસર્જન કે કોઈ પણ પ્રકારનાં આયોજનની ઉજવણી અને ઝૂલુસ કે સરઘસ પણ કાઢી શકાશે નહીં, પરંતુ આ તહેવારની ઉજવણી નાગરિકોએ પોતાના ઘરે જ રહીને કરવાની રહેશે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તહેવારની ઉજવણી ઘરમાં જ કરીને તંત્રને પૂરો સહયોગ આપી કોરોનાને જિલ્લામાંથી દૂર કરવામાં નાગરિકોએ જ ભૂમિકા ભજવવી પડશે. 

પર્યુંષણ નિમિત્તે કતલખાના બંધ રહેશે, વેચાણ પણ નહીં કરી શકાય

આણંદ : આણંદ જિલ્લામાં તા.૨૩ ઓગસ્ટ સુધી પર્યુષણના તહેવારની ઉજવણી થનાર છે. આ સમય દરમિયાન પશુ હિંસા ન થાય તે માટે અનેક સંસ્થાઓની રજૂઆતોને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ પર્યુષણના તહેવાર દરમિયાન કતલખાના બંધ રાખવા સમર્થન આપ્યું છે.જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આર.જી. ગોહિલે તા.૨૩ ઓગસ્ટ સુધી જિલ્લામાં કતલખાનાને બંધ રાખવા માટે હુકમ કર્યો છે. આ ઉપરાંત મટન વેચાણનો ધંધો કરતાં હોય તે લોકો પણ જાહેર કે ખાનગીમાં વેચાણ કરી શકશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.