દિલ્હી-

ભારતમાં મસ્જિદમાંથી નમાજ અદા કરીને નીકળતા મુસ્લિમોને ગોળી નથી મારવામાં આવતી, તેમના હાથ-પગ કાપવામાં નથી આવતા કે ન અહીં છોકરીઓને શાળાએ જતી અટકાવવામાં આવે છે. અલ્પસંખ્યક મામલાના મંત્રીએ કહ્યું કે, ભારતમાં ધર્મના નામે અરાજકતા નથી. અહીં ફક્ત એક જ ધર્મ માનવામાં આવે છે અને તે છે બંધારણ. હકીકતે એક દિવસ પહેલા તાલિબાની પ્રવક્તાએ કાશ્મીરી મુસ્લિમો અંગે ટિપ્પણી કરી હતી. પ્રવક્તાએ કહ્યું હતું કે, કાશ્મીરી મુસલમાનોનો અવાજ ઉઠાવવો તે અમારો હક છે. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન સામે આવ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાનમાં બહુ અંતર છે. માટે હું તાલિબાનને હાથ જાેડીને વિનંતી કરૂ છું કે, તેઓ અહીંના મુસલમાનોની ચિંતા છોડીને પોતાના પર ધ્યાન આપે. નકવીએ કહ્યું કે, ભારતમાં બધાને પોત-પોતાનો ધર્મ માનવાની છૂટ છે પરંતુ આ દેશમાં બધાથી ઉપર બંધારણ છે. દેશ તેના વડે જ ચાલે છે અને બંધારણ તમામ સમુદાયના લોકોને વિકાસનો સમાન અવસર આપે છે.