નવી દિલ્હી 

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર રહેલા ડિએગો મેરાડોનાનું 60 વર્ષની વય નિધન થયું છે. હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું છે. 60 વર્ષીય મારડોનાની થોડા દિવસ અગાઉ બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી અને બે સપ્તાહ પૂર્વે જ તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. મારડોનાનું નામ વિશ્વમાં મહાન ફૂટબોલના ખેલાડી તરીકે લેવાતું હતું. 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મારડોનાનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ફૂટબોલમાંથી નિવૃતી બાદ કોકેઈનના વધુ પડતા સેવન તેમજ મેદસ્વિતાને પગલે તેમની તબયિત નાદુરસ્ત રહેતી હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ મહાન ફૂટબોલ ખેલાડીના સમ્માનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આર્જેન્ટિનાના સોકર એસોસિએશને પણ મારડોનાના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો છે. દુનિયાભરના લાખો ફૂટબોલ પ્રેમીઓ મારડોનાના અવસાનથી શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

મારડોના બોકા જુનિયર્સ, નપોલી અને બાર્સેલોના તરફથી ક્લબ ફૂટબોલ રમી ચૂક્યા છે. વિશ્વભરમાં તેમની ફેન ફોલોઈંગ છે. ડ્રગ્સ તેમજ દારૂના સેવનના તેઓ આદી હતા અને અનેક વખત વિવાદોમાં પણ ઘેરાયેલા રહ્યા હતા. આર્જેન્ટિના તરફથી ફૂટબોલ રમનાર મારડોનાએ 91 મેચોમાં 34 ગોલ ફટકાર્યા હતા. દેશ તરફથી મારડોના ચાર વખત વર્લ્ડ કપમાં પણ રમ્યા હતા.