ગોહાટી-

આસામની સર્બાનંદ સોનોવાલ સરકારે રાજ્યમાં તમામ સરકારી મદરસા અને સંસ્કૃત શાળાઓને બંધ કરવાના પ્રસ્તાવને રવિવારે મંજૂરી આપી દીધી છે. રવિવારે યોજાયેલી બેઠકમાં આ ર્નિણય લવેમાં આવ્યો છે. વિધાનસભાના આગામી શિયાળા સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આસામ વિધાનસભાનું શિયાળુ સત્ર 28 ડિસેમ્બરથી શરૂ થશે. આસામ સરકારમાં સંસદીય મામલાના મંત્રી અને સરકારના પ્રવક્તા ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યું કે મદરસા અને સંસ્કૃત સંબંધિત કાયદાને પરત લેવામાં આવશે. તેના માટે રાજ્ય વિધાનસભાના આગામી સત્રમાં એક બિલ લાવવામાં આવશે.

અગાઉ આસામ સરકારમાં શિક્ષણ મંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા મદરસા અને સંસ્કૃત શાળાઓને ટૂંક સમયમાં જ નિયમિત શાળાના સ્વરૂપમાં પરિવર્તિત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ કે ધાર્મિક શિક્ષણ માટે સરકારી ફંડ ખર્ચ કરી શકાતું નથી. એવામાં રાજ્ય મદરસા શિક્ષણ બોર્ડ, આસામને ભંગ કરી દેવામાં આવશે.