લખનઉ-

ઉત્તર પ્રદેશમાં કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે. એકમાત્ર કાનપુરમાં બુધવારે કોરોનાથી ૫૬ લોકોના મોત થયા છે, જ્યારે સોમવારે ૫૭ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. એક તરફ શહેરમાં મોતનો સિલસિલો વધ્યો છે તો બીજી તરફ બેદરકારી ખતમ થવાનું નામ નથી લઇ રહી. કાનપુરની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ૩૪ વેન્ટિલેટર ખરાબ નિકળ્યા છે. કાનપુરની હૈલટ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. જ્યાં કોરોના દર્દીની સારવાર ચાલી રહી છે, પણ ઘણાં દર્દી હજુ પણ હોસ્પિટલમાં બેડ માટે તરસી રહ્યા છે. હૈલટ કોવિડ હોસ્પિટલના અધીક્ષક ડૉક્ટર જ્યોતિ સક્સેનાએ કહ્યું કે, હોસ્પિટલમાં બેડ તો છે પણ ત્યાં સુધી ઓક્સિજન લાઇન નથી. બેડ વધારી દેશું પણ ઓક્સિજન કઇ રીતે પહોંચાડશું?

ડૉ. જ્યોતિનું કહેવું છે કે, તેમની પાસે ત્યાં ૧૨૦ કોવિડ વેન્ટિલેટર છે, જેમાંથી ૩૪ ખરાબ છે. આ વેન્ટિલેટરને રિપેર કરાવવા માટે હોસ્પિટલ મેનેજમેન્ટ સતત પત્ર લખી રહ્યું છે પણ હજુ સુધી જિલ્લાના કોઇ જવાબદાર અધિકારીએ આ બાબતને ધ્યાનમાં લીધી નથી.હૈલટ કોવિડ હોસ્પિટલમાં જાે ૩૪ ખરાબ વેન્ટિલેટર રિપેર થઇ જાય તો તેઓ તેઓ કેટલાય કોરોના દર્દીને બચાવી શકે છે. પણ હજુ સુધી આ દિશામાં કોઇ પગલું લેવામાં આવ્યું નથી. લોકો બેડ અને ઓક્સિજનની અછતને લઇ દમ તોડી રહ્યા છે, પણ સરકાર તરફથી વેન્ટિલેટરને પણ રિપેર કરાવવામાં નથી આવી રહ્યું.

તેની વચ્ચે કાનપુરના પોલીસ કમિશ્નર અસીમ અરુણે ઓક્સિજન બેંકની સ્થાપના કરી છે. જેનો હેતુ દરેક જરૂરિયાતમંદોને ઓક્સિજન પૂરો પાડવાનો છે. પોલીસ કમિશ્નરે અપીલ કરી છે કે જે લોકોને સિલિન્ડરની જરૂરત પૂરી થઇ ગઇ છે તેઓ તેને પોલીસ લાઇન સ્થિત બેંકમાં જમા કરાવે, જાે ફરી જરૂરત પડશે તો તરત પરત કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કોરોના કાળમાં કેટલી એક્ટિવ છે તેનો અંદાજાે તમે એ વાતથી લગાવી શકો કે કોરોનાના સૌથી વધારે પ્રભાવિત શહેર કાનપુરમાં પાછલા ૫ દિવસથી ચીફ મેડિકલ ઓફિસર વિના જ કામ ચાલી રહ્યું છે. ૭૫૦૦૦ કોરોના દર્દીવાળા કાનપુરમાં ૫ દિવસ પછી પણ નવા ચીફ મેડિકલ ઓફિસરે ચાર્જ લીધો નથી. કાનપુરમાં રોજ હજારોની સંખ્યામાં કોરોના દર્દી સામે આવી રહ્યા છે. દર્દીઓને બેડ અને ઓક્સિજન મળી રહ્યો નથી. પણ જે ચીફ મેડિકલ ઓફિસર પર કોરોના કન્ટ્રોલ કરવાની જવાબદારી છે, તેણે હજુ સુધી ચાર્જ લીધો નથી. જેની રાજ્યની યોગી સરકારને પણ કાંઇ પડી નથી.