ઇસ્લામાબાદ-

પાકિસ્તાનની સરકારે અમેરિકન બ્લોગર સિંથિયા રિચીને 15 દિવસમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. રિચીએ જૂનમાં પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક પર દુષ્કર્મ અને પૂર્વ વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની પર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હેરાન કરનારી વાત એ છે કે મંગળવારે જ રિચીના વિઝા વધારવાની અરજી પર ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં સુનાવણી શરુ થઇ હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને આ કેસની સુનાવણી જલ્દી કરવા જણાવ્યું હતું.

રિચી 11 વર્ષથી પાકિસ્તાનમાં છે. બેનઝિર ભુટ્ટો અને ત્યારબાદની સરકારોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ હોવાનું મનાય છે. વર્ષ 2011 થી 2014 સુધી રિચી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં જ રહેતી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રાલયે આ મામલો કોર્ટમાં હોવા છતાં બુધવારે સાંજે આદેશ આપતા રિચીને 15 દિવસમાં દેશ છોડવા જણાવ્યું હતું. તેના વિઝા એક્સ્ટેંશનની માંગ નકારી દીધી હતી. 10 જુલાઈએ ઇસ્લામાબાદ હાઇકોર્ટે માન્યું હતું કે રિચી પર લગાવવામાં આવી રહેલા આરોપ રાજકારણથી પ્રેરિત લાગે છે. રિચીના કિસ્સામાં ઇમરાન સરકાર અને વિરોધી પક્ષ પીપીપી એક સાથે જાેવા મળી રહી છે. બંને પાર્ટીઓના નેતાઓએ રિચીને અમેરિકા મોકલવા માટેની માંગ કરી છે. 

પાકિસ્તાન છોડવાનો આદેશ મળ્યા બાદ રિચીએ જણાવ્યું હતું કે, કોઇ તો એ જણાવે કે મેં કયા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ રાજકીય દબાણમાં લેવામાં આવેલો ર્નિણય છે. મારી પાસે વર્ક વિઝા છે. રિચીએ વધુમાં જણાવ્યું હતું કે હું આ આદેશને કોર્ટમાં પડકારીશ.