રાજપીપળા, તા.૧૮ 

 નર્મદા-ભરૂચ જિલ્લાને અસર કરતી સહકારી સંસ્થા ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીમાં વર્તમાન બોર્ડની ૧૦ બેઠકો બિનહરીફ જાહેર થતા સહકારી આગેવાનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચ દૂધધારા ડેરીની ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની પેનલની ૧૦ બેઠકો બિનહરીફ જાહેર થતા ઘનશ્યામભાઈ પટેલનો ફરીથી ડેરીના ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.તો બીજી બાજુ વિરોધી જૂથમાં સોંપો પડી ગયો છે.

સહકારી રાજકારણમાં છેલ્લા ૨૫ વર્ષથી જીતની હારમાળા રચતા આવેલા ઘનશ્યામભાઈનું પ્રભુત્વ યથાવત રહ્યું છે.તો આ વખતની ચૂંટણીમાં ઘનશ્યામભાઈ પટેલનો પુત્ર સાગર પટેલ પણ ડિરેકટર તરીકે બિનહરીફ ચૂંટાયો છે, ત્યારે સહકારી સંસ્થાની ચૂંટણીમાં પિતા-પુત્ર ડિરેકટર તરીકે બિન હરીફ ચૂંટાયા હોય એવી આ પ્રથમ ઘટના કહી શકાય.બીજી બાજુ ફોર્મ પરત ખેંચવાની તારીખ હજુ બાકી છે, ત્યારે બાકી બચેલી ૫ બેઠકોના ઉમેદવારો પણ ઘનશ્યામભાઈ પટેલની તરફેણમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી આખી પેનલ બિનહરીફ થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ભરૂચ દુધધારા ડેરીમાં વહીવટ બાબતે ડેરીના પૂર્વ ડિરેકટર દિનેશભાઈ મનોરભાઈ બારીયાએ ગંભીર આક્ષેપો સાથે રાજ્ય સરકારમાં તપાસની માંગ કરી હતી.ઘણા વખતથી વિવાદમાં ઘેરાયેલી ભરૂચ દુધધારા ડેરી વ્યવસ્થાપક મંડળની ચુંટણી જાહેર થતા એ બાબતે પણ વિવાદ થયો હતો.ડેરીની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાંધો ઉઠાવી ચૂંટણી પ્રક્રિયા રદ કરવા પૂર્વ ડિરેકટર દિનેશભાઈ મનોરભાઈ બારીયાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જો કે હાઇકોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની એમની પિટિશન ગ્રાહ્ય ન રાખતા ચૂંટણી થશે એ નિશ્ચિત થઈ ગયું હતું.સહકારી રાજકારણમાં ઘનશ્યામભાઈ પટેલના કટ્ટર વિરોધી ગણાતા ગુજકોમાસોલના ડિરેકટર સુનિલ પટેલ અને દિનેશભાઈ મનોરભાઈ બારીયાએ ચૂંટણીમાં ભાગ કેમ નથી લીધો એ બાબત હાલ ચર્ચાઈ રહી છે, ડેરીની ચૂંટણીમાં મતદાન માટે મંડળીઓને અપાયેલી માન્યતાનો વિવાદ પણ એનું કારણ હોઈ શકે એવું ચર્ચાઈ રહ્યું છે.