ન્યૂ દિલ્હી-

દેશમાં ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન જુલાઈમાં ૩૩ ટકા વધીને ૧.૧૬ લાખ કરોડ રૂપિયા થયું છે. રવિવારે માહિતી આપતા નાણાં મંત્રાલયે કહ્યું કે જુલાઈ માટે જીએસટી આવકના ડેટા દર્શાવે છે કે અર્થતંત્રનું પુનરુત્થાન ઝડપથી થઈ રહ્યું છે.

જુલાઈ ૨૦૨૦ માં GST કલેક્શન ૮૭,૪૨૨ કરોડ રૂપિયા હતું. અગાઉ, છેલ્લા મહિનામાં એટલે કે જૂન ૨૦૨૧ માં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે ૯૨,૮૪૯ કરોડ રૂપિયા હતું. મંત્રાલયે કહ્યું કે કોવિડ-૧૯ સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ સાથે, જુલાઈ માટે જીએસટી કલેક્શનનો આંકડો ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ દર્શાવે છે કે અર્થતંત્રનું પુનરુત્થાન ઝડપથી થઈ રહ્યું છે.

 ડેટા અનુસાર જુલાઈ, ૨૦૨૧ માં કુલ જીએસટી આવક ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયા હતી. તેમાં સેન્ટ્રલ જીએસટી ૨૨,૧૯૭ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૨૮,૫૪૧ કરોડ રૂપિયા, ઈન્ટિગ્રેટેડ જીએસટી ૫૭,૮૬૪ કરોડ રૂપિયા (જેમાંથી ૨૭,૯૦૦ કરોડ રૂપિયા માલની આયાત પર એકત્ર કરવામાં આવ્યા હતા) અને ૭,૭૯૦ કરોડ રૂપિયા (માલની આયાત પર ૮૧૫ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.)

જુલાઈ, ૨૦૨૧ માં જીએસટી કલેક્શનનો આંકડો એક વર્ષ અગાઉના સમાન મહિના કરતાં ૩૩ ટકા વધારે હતો. જેમાં ૧ થી ૩૧ જુલાઇ સુધી ફાઇલ કરાયેલ જીએસટી રિટર્ન, સમાન સમયગાળા માટે આઇજીએસટી અને માલની આયાત પર એકત્રિત કરાયેલા સેસનો સમાવેશ થાય છે.

સમીક્ષા હેઠળના મહિનામાં માલની આયાતમાંથી આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં ૩૬ ટકા વધારે હતી. બીજી બાજુ ઘરેલુ વ્યવહારો (સેવાઓની આયાત સહિત) માંથી સંગ્રહ ૩૨ ટકા વધારે હતો.

નાણાં મંત્રાલયે કહ્યું કે સતત આઠ મહિના સુધી જીએસટી કલેક્શનનો આંકડો એક લાખ કરોડ રૂપિયાથી વધુ હતો. તે પછી તે જૂન ૨૦૨૧ માં નીચે આવી ગયું. આનું કારણ એ હતું કે જૂન કલેક્શન મે ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત હતા. મે, ૨૦૨૧ દરમિયાન કોવિડ-૧૯ ને કારણે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન હતું.