વડોદરા-

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ખાતે અમી લાઈફ સાયન્સીસના હાઈટેક ઔષધ સંશોધન અને વિકાસ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો.વડોદરા ઔષધ ઉદ્યોગનું હબ છે ત્યારે આ અતિ અધતન સુવિધાથી ઔષધ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરેક ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનું ‘ મેઇક ઇન ઇન્ડીયા'ને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે,ત્યારે અમી લાઇફ સાયન્સીસ આ નેમને સાકાર કરતાં ૪૦ થી વધુ એકટીવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ તૈયાર કરે છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે યુ.એસ.એ સહિત વિશ્વના અનેક દેશોમાં હેલ્થકેર એકસપેન્ડીચર ઘટાડવામાં ભારતની જેનેરીક દવાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાત રોજગારી આપવા સમગ્ર દેશમાં મોખરે છે અને બિનગુજરાતીઓને પણ ગુજરાત મોટા પ્રમાણમાં રોજગારી આપી રહ્યું છે. દેશના ફાર્મા ઊદ્યોગનું માર્કેટ અંદાજે ૩૯ બિલીયન યુ.એસ. ડોલરથી વધુ છે અને તેમાંથી ૫૦ ટકા ઉત્પાદનની વિશ્વમાં નિકાસ થાય છે. દેશના ફાર્મા સેકટરનો ૩૩ ટકા હિસ્સો ગુજરાત આપે છે.ગુજરાતને ફાર્માસ્યુટિકલ હબ બનાવવાની પ્રતિબદ્ધતા સાકાર થઇ છે તેમ ગૌરવ સહ તેમણે જણાવ્યું હતું. રૂપાણીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત –આત્મનિર્ભર ગુજરાતનો લક્ષ્યાંક તબીબી ઉપકરણો અને દવા ઊદ્યોગમાં પાર પાડવા રાજકોટ નજીક મેડીકલ ડિવાઇસીસ પાર્ક અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પ્રોડકશન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું રાજ્યમાં જી.આઇ. ડી.સી ના માધ્યમથી ઉદ્યોગો માટે આંતરમાળખાકીય સુવિધાઓ ઉભી કરી છે જેને પરિણામે ગુજરાત આજે વિદેશી મૂડીરોકાણ માટેનું ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના ૪૫ વર્ષના શાસન દરમ્યાન ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને પ્રેટોલિયમ, મરીન,ફોરેન્સિક સાયન્સ, રક્ષા શક્તિ જેવી સેક્ટરલ યુનિવર્સિટીઓ શરૂ કરીને ગુજરાતે વિકસતા ઉદ્યોગો માટે જરૂરી કુશળ માનવ સંપદા નો પ્રબંધ કર્યો છે.

વિશ્વ આખું આજે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે કોરોના જેવા આવા રોગો સહિત કેન્સર, ડાયાબિટીસ ,ક્રોનિક અને અસાધ્ય રોગ માટેની દવાઓ આપણા ફાર્માસ્યુટિકલ સેકટરના આર એન્ડ ડી થી દેશ અને દુનિયાને મળી છે.તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કોરોના સામેની વેકસીન ગુજરાતના ઝાયડસ કેડિલાએ તૈયાર કરી છે એનું પણ આપણે ગૌરવ લઇ શકીયે.સદીમાં એકાદવાર જોવા મળતી કોરોના જેવી મહામારી દરમ્યાન પણ ગુજરાતના ફાર્મા ઊદ્યોગોએ ફાર્માસ્યુટિકલ પ્રોડકશન હબ તરીકે આગવું પ્રદાન કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ - કેપિટલ બન્યુ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિકાસના દરેક ક્ષેત્રમાં નીતિ આધારિત સાતત્ય પૂર્ણ વિકાસ આયોજન કરવામાં આવે છે જેથી ગુજરાત તકોની ભૂમિ બની છે.પર્યાવરણ સાનુકૂળ વિકાસ એ ગુજરાતની ખાસિયત છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું કે ઈન્ડીયન ફાર્માસ્યુટિકલ માર્કેટ વર્લ્ડમાં વોલ્યુમની દૃષ્ટિએ ત્રીજા નંબરે અને કોસ્ટ મૂલ્યની દૃષ્ટિએ ૧૩ મા ક્રમે મોટું માર્કેટ છે . આપણા ફાર્માસ્યુટિકલ ઊદ્યોગે સસ્તી અને ગુણવત્તાયુકત દવાઓ પ્રદાન કરવાની વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી છે.