વડોદરા, તા.૧૩

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં ચાર દિવસથી મેઘરાજા તોફાની બેટિંગવ કરી રહ્યા છે. આજે દિવસ દરમિયાન સૂર્યદેવતાની સંતાકુકડી વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ થયા બાદ સમીસાંજે ઓફિસ છૂટવાના સમયે શહેરના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં લોકો અટવાઈ ગયા હતા. ગણતરીના સમયમાં અડધો ઈંચ વરસાદ થતાં અનેક માર્ગો ઉપર પાણી ભરાઈ ગયાં હતાં અને ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હવામાન વિભાગે આગામી તા.૧૭મી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે જેને લઈને તંત્રને સતર્ક રહેવાની સૂચના આપી છે.

ચાલુ વરસાદની મોસમ શ્રાવણ મહિનો મેઘરાજાએ મહેર કરી ન હતી. હળવો છૂટોછવાયો વરસાદને બાદ કરતાં વરસાદ ન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. તો બીજી તરફ પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતંુ, પરંતુ ભાદરવો શરૂ થતાં જ મેઘરાજાએ મહેર કરીને તોફાની બેટિંગ શરૂ કરી હતી. તેમાંય છેલ્લા ચાર દિવસથી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજા જાેરદાર બેટિંગ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન ૩૦ મિ.મી. વરસાદ થયા બાદ આજે દિવસ દરમિયાન છૂટોછવાયો હળવો વરસાદ થયો હતો.

જાે કે, સમીસાંજે એકાઅખેક કાળાડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં ઓફિસમાંથી છૂટીને ઘરે જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા. ગણતરીના સમયમાં એટલે કે અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ થતાં માંડવફી, દાંડિયા બજાર, રાવપુરા રોડ, જ્યુબિલી બાગ પાસે સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ૮ થી રાત્રિના ૮ દરમિયાન ડભોઈ તાલુકામાં સર્વાધિક ૩૬ મિ.મી. તેમજ વડોદરા અને શિનોરમાં ૧૧-૧૧ મિ.મી. વરસાદ થયો હતો. જાે કે, સમીસાંજે થયેલા ધોધમાર વરસાદ સાંજે ૬ વાગ્યે રોકાઈ ગયો હતો.

નવાપુરા ઇસ્લામપુરામાં વરસાદને કારણે બંધ જૂના મકાનનો ભાગ ધરાશાયી

વડોદરા, તા.૧૩

શહેરમાં વરસાદને કારણે જૂના અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે.બે દિવસ પહેલા રાવપુરામાં મકાન ધરાશાયી થયા પછી રવિવારની રાત્રીના નવાપુરા એસએસસી બોર્ડની બાજુમાં બંધ જૂનું મકાન ભારે વરસાદને કારણે પડી ગયું હતું. જાે કે મકાનમાં કોઇ રહેતુ ન હોવાથી કોઇ જાનહાનિ થઇ ન હતી.

શહેરમાં વરસાદને કારણે ખાનાખરાબી સર્જાઇ રહી છે.પાલિકાએ વરસાદને પગલે શહેરમાં આવેલી જૂની અને જર્જરિત ઇમારતો તેમજ મકાનો દૂર કરવા કે ખાલી કરવા નોટિસો આપવામાં આવી છે.પણ મકાન માલિકો દ્વારા મકાનો દૂર નહી કરાતા મકાનો પડી જવાની ઘટના વધી રહી છે.બે દિવસ પહેલા રાવપુરા મેઇન રોડ પર મકાન પડી જવાની ઘટના બની હતી.ત્યાર બાદ રવિવારની રાત્રીના નવાપુરા એસએસસી બોર્ડની ઓફિસ પાસે આવેલ ઇસ્લામપુરામાં એક મકાનનો કેટલોક ભાગ વરસાદને કારણે પડી જતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી.આ બનાવ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતા ટીમ પહોંચી ગઇ હતી.અને કાટમાળ ખસેડયો હતો.આ મકાન જૂનુ અને જર્જરિત હોવાથી મકાનમાં કોઇ રહેતું ન હોવાથી બનાવ સમયે મોટી જાનહાનિ ટળી હતી.

વડોદરામાં અત્યાર સુધી મોસમનો ૭૩ ટકા વરસાદ થયો

વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મોડા મોડા મહેર કરી છે. ત્યારે વડોદરા શહેરમાં મોસમના સરેરાશ વરસાદ ૧૦૪૯ મિ.મી.ની સામે ૭૬૫ મિ.મી. એટલે કે ૭૩ ટકા વરસાદ થઈ ગયો છે. આ ઉપરાંત પાદરા તાલુકામાં ૯૦ ટકા શિનોર તાલુકામાં પ૮ ટકા, ડભોઈ તાલુકામાં ૫૫ ટકા તેમજ ડેસર, સાવલી, વાઘોડિયા તાલુકામાં હજુ પ૦ ટકા કરતાં ઓછો વરસાદ થયો છે. આમ હજુ વડોદરા જિલ્લામાં મોસમના સરેરાશ વરસાદ સામે પપ ટકા જ વરસાદ થયો છે.