અમદાવાદ-

ગુજરાતમાં જયારે પણ ચૂંટણી આવે ત્યારે ધારાસભ્યોના પક્ષ પલટાની સીઝન શરુ થઇ જાય છે. એકબાદ એક ધારાસભ્યો એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. જેથી જે તે બેઠક પર ફરી પેટાચૂંટણી યોજવી પડે છે. જેનો ખર્ચ સામાન્ય જનતાને ભોગવવો પડે છે. જેને લઈને હાઇકોર્ટમાં પક્ષ પલટુઓ પાસેથી પેટા ચૂંટણીનો ખર્ચ વસુલ કરવામાં આવે તેવી જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ કરેલી જાહેરહિતની અરજીમાં પક્ષપલટુ ધારાસભ્યો પાસેથી અંગત પ્રચાર માટે કરેલા અને પેટાચૂંટણીના ખર્ચા પેટે નાણાંની રિકવરી કરવાની દાદ માગી છે. લગભગ એક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો 2 કરોડ રૂપિયા જેટલો થાય છે. તેનો બોજો સામાન્ય લોકો પર પડે છે. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી 15 પક્ષપલટુ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાંથી 10 ધારાસભ્યો પેટાચૂંટણીમાં લડી રહ્યા છે. 2017માં કોગ્રેંસના 77 ઉમેદવારો ચૂંટાયા હતા. તેમાથી 19 ધારાસભ્યોએ કોગ્રેંસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ત્યાર બાદ તમામ બેઠકો પાર પેટા ચૂંટણી યોજાય છે. હાઇકોર્ટમાં એ પણ દલીલ કરવામાં આવી છે કે, ધારાસભ્યો પોતાના અંગત સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા હોવાથી તમામ ખર્ચ તેમની પાસેથી વસુલ કરવો જોઈએ.