વડોદરા-

પ્રધાનમંત્રી મોદી સાથે પણ હરિપ્રસાદ સ્વામીજીને ખુબ જ આત્મીયતાનો સંબંધ હતો. ત્યારે વડોદરા જિલ્લાના સોખડા હરિધામ ના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થતાં રાજનેતાઓએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું.

હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવદેહને હોસ્પિટલથી સોખડા સુધી લઇ જવાના હોવાથી હોસ્પિટલની બહારથી લઇને સોખડા મંદિર સુધી હરિભક્તો શિસ્ત બદ્ધ રીતે પુષ્પવૃષ્ટિ કરવા માટે લાઇનોમાં ઊભા થઈ ગયા છે. મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરિભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરિ પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિભક્તો નજરે પડતા હતા. તમામ જગ્યાએ હરિભક્તો એકદમ શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવદેહના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને સોખડામાં લાવવામાં આવેતા હરિભક્તોએ ભારે હૈયે રસ્તામાં જ અંતિમ દર્શન કર્યાં હતા. સોખડામાં હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા છે. ગુજરાતના સીએમ રૂપાણી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શન માટે હોસ્પિટલની બહાર હરિભક્તો ઊમટ્યા, શોકમગ્ન મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા છે.  વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયા બાદ તેમના નશ્વરદેહને હરિધામ સોખડા ખાતે લાવવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિપ્રમાણે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયની પરંપરા પ્રમાણે સ્વામીને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન કરાવ્યા બાદ ભક્તિમય વાતાવરણમાં મંદિર પરિસરમાં યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.