વડોદરા

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પરમ પૂજ્ય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આજે અંતિમ દર્શન ચાલુ રહેશે.આવતી કાલે એટલે કે  તા. ૧ ઓગસ્ટે બપોરે ૨.૦૦ કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ  થશે.


પરમ પૂજ્ય સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓની અંત્યેષ્ટિ કરવામાં આવશે. અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે. અંત્યેષ્ટિ સંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી ખોદકામ કરતાં પહેલાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય સંતવલ્લભ સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય દાસ સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એ પછી તત્કાળ ખોદકામ કરીને ફાઉન્ડેશન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.


1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે, જેમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. બાદમાં પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરની આસપાસ પ્રદક્ષિણા કરાવવા વિચારણા છે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે. અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરાશે.


આ લીપણ કરાયેલા સ્થળ પર ચંદન, લીમડો, સેવન, અઘેડો, ઉમરો, ખેર, આંકડો અને પીપડો એમ 8 વૃક્ષોનાં લાકડાં ઉપરાંત અડાયા છાણ, દર્મનો પુડો અને ખડના પુડાનો, તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ અંતિમસંસ્કારમાં કરાશે. શુક્રવારે સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી અમદાવાદ સહિત 12 જિલ્લામાંથી આશરે 25 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા દર્શનાર્થે આવશે.