આણંદ : આણંદ પાલિકાના આગામી જંગમાં ગુજરાત ભાજપ પ્રમુખ આર.સી.પાટીલની નવી નીતિને લીધે ૧૧ જેટલાં નેતાઓની ટિકિટ કપાવાનું નક્કી છે. આ ટેન્શનમાં જિલ્લાના એક ભાજપી નેતાએ પાલિકાના એક વોર્ડમાં વેવાઈ પક્ષના પરિવારના એક સભ્યને ટિકિટ અપાવવા દાવ રચ્યો હોવાનું જાણવા મળ્યું છે! વળી આ દાવમાં આણંદ શહેરના વોર્ડની ભૂગોળથી અજાણ જિલ્લા ભાજપી નેતાએ માનીતાને જીતાડવા શહેરની શિક્ષણ સંસ્થામાં બંધબારણે દુભાયેલાં નેતા સમક્ષ ચાદર પાથરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

ચરોતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યાં છે ખેલ પણ એવાં જ ખેલાઈ રહ્યાં છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની શેઢે આવીને શિરામણ કરાવવાની નીતિએ આખા ગુજરાતના સ્થાનિક રાજકારણને હબળાવી પપળાવી નાખ્યું છે. ભલભલાં ખેરખાંઓને ભાજપની નવી નીતિ રાતોરાત અમલમાં મૂકીને તેની કેટલી ઓકાત છે એ સમજાવી દીધું છે. ૬૦થી વધુ ઉંમર, ત્રણ ટર્મ અને પરિવારવાદને કોરાણે કરીને ત્રણ કાંકરે અનેક માથા વાઢી નાખ્યાં છે. કપાયેલાંઓ ક્યાંય પોતાના સંબંધીઓને ગોઠવી ન શકે એ માટે ચેકમેટની ચાલ રમ્યાં છે, પણ આ રિઢા નેતાઓ એમ કાંઈ ગાંજ્યાં જાય એવાં નથી. ચરોતરમાં હવે છેક વેવાઈના પરિવારના દૂરના સભ્યોને ચૂંટણીમાં ટિકિટ અપાવવાનો ખેલ શરૂ થયો છે. જિલ્લાના એક ભાજપી નેતાએ પાલિકાના એક વોર્ડમાં વેવાઈ પક્ષના પરિવારના એક સભ્યને ટિકિટ અપાવવા દાવ રચ્યો હોવાનું જાણવા મળ્યું છે! વળી આ દાવમાં આણંદ શહેરના વોર્ડની ભૂગોળથી અજાણ જિલ્લા ભાજપી નેતાએ માનીતાને જીતાડવા શહેરની શિક્ષણ સંસ્થામાં બંધબારણે દુભાયેલાં નેતા સમક્ષ ચાદર પાથરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જાેકે, નવાઈની વાત એ છે કે, નસીબના જાેરે જિલ્લા ભાજપ નેતાનું પદ કે સામાન્ય ચૂંટણી જંગમાં ચૂંટાયેલાં નેતા આણંદ શહેર કે જિલ્લાની વાસ્તવિક ભૂગોળથી અજાણ હોવાથી આગામી જંગમાં સત્તા કેવી રીતે પક્ષ માટે હસ્તગત કરી શકશે, એ સવાલો પણ

ઊઠ્યાં છે!

શહેરની એક શિક્ષણ સંસ્થાના સંચાલકોએ સંસ્થાના અગ્રભાગમાં દુકાનો ઊભી કરી વહીવટી ખેલ પાડ્યો!

આણંદ ઃ આણંદની એક શિક્ષણ સંસ્થાના સંચાલકોએ અગ્રભાગમાં સંસ્થાની જગ્યામાં દુકાનો ઊભી કરી વહીવટી ખેલ રચ્યો હોવાની ચર્ચા દૂધનગરીમાં ચારેકોર થઈ રહી છે. શિક્ષણ સંસ્થાના સંચાલક દ્વારા શાસકપક્ષમાંથી પાલિકા જંગમાં ટિકિટની માગ કરતાં આખી વાત એરણે ચઢવા પામી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, આણંદ પાલિકાના છેલ્લાં દશકથી વકરેલાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાના ભાજપ દ્વારા આગામી ચૂંટણીમાં પતા કપાવવાના છે. ત્યારે ભાજપે નવી નીતિ અમલમાં લાવતાં આ નેતાઓની આપોઆપ જ ટિકિટ કપાઇ જવા પામી છે. તેમછતાં પાલિકા જંગમાં આ દુભાયેલાં નેતાઓ શકુની ખેલ રચશે તેવી આશંકાના કારણે પાંચ વર્ષ પૂર્વના નવાં બસ સ્ટેન્ડની વધારાની જગ્યા મુદ્દે દાખલ થયેલાં કેસમાં એસીબી દ્વારા ચાર્જશીટ મૂકવાનો તખતો ગોઠવવામાં આવ્યો હતો. નાક દબાવવાના રચાયેલાં આ ખેલ ઉપરાંત પાલિકા સંકુલ સામે આવેલાં પાલિકા કમર્શિયલ સંકુલમાં જ્વેલર્સને કરવામાં આવેલ લહાણીના મુદ્દે દુભાયેલાં નેતાઓને ઘેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ આ મુદ્દે રચાયેલાં ખેલ પાછળ એક શિક્ષણ સંસ્થાના સંચાલકના દોરી સંચાર હોવાનું ઉજાગર થયું હતું. વળી, આ સંચાલકે પાલિકા જંગમાં પક્ષમાંથી ટિકિટની માગ કરતાં તે પણ દૂધે ધોયેલાં નથી, તેમ ચિતરવા શિક્ષણ સંસ્થાના અગ્રભાગમાં ઊભી કરવામાં આવેલી દુકાનોમાં મોટાપાયે વહીવટી ખેલ કર્યાની રજૂઆત પક્ષમાં કરાતાં સંચાલકની હાલત કરવા ગયાં કંસાર ને થઈ ગઈ થુલી જેવી બનવા પામી છે. પરિણામે હવે પક્ષમાં આતરિક જૂથવાદ વકર્યો હોવાનુંુ પક્ષમાં જ ચર્ચાઈ રહ્યું છે.