નીરજ ૫ટેલ, વડોદરા

રાજ્યના ૫ોલીસવડા દારૂબંધીના કડક અમલની વારંવાર જાહેરાત કરે છે. ત્યારે જિલ્લા એલસીબીના એક વિવાદાસ્પદ જવાને દારૂનું કન્ટેનર લૂંટી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી દીધો હોવાની ચોંકાવનારી માહિતી પુરાવા સહિત બહાર આવી છે. જેને લઈને જિલ્લા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે અને આ દારૂનો જથ્થો પોલીસે બૂટલેગરોને વેચી માર્યાની ચર્ચાઓ ઊભી થઈ છે. જેમાં મહત્ત્વની વાત તો એ છે કે ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચના વિવાદાસ્પદ જવાન અસલમ જહાંગીર ખાને દારૂ ભરીને આવેલા કન્ટેનર નં.એચઆર પપ એકે ર૯૪૦ને શહેર પોલીસની હદ ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડી તાલુકા પોલીસની હદ વટાવી ગેરકાયદેસર રીતે જરોદ થઈ વાઘોડિયા લઈ ગયો હતો. એ દરમિયાન ડ્રાઈવરને પોતાની ગ્રે કલરની મારુતિ એસક્રોસ ખાનગી કારમાં બેસાડી અપહરણ કરી વાઘોડિયા લઈ જવાયો હતો. બાદમાં કલાકો બાદ ઘટનાની એફઆઈઆર વાઘોડિયા પોલીસ મથકે નોંધાવાઈ હતી.

કન્ટેનર ચાલક મોહરસીંગ ભુરીસિંગ જાટને ગોલ્ડન ચોકડીથી અસલમે ખાનગી ગાડીમાં બેસાડી દીધા બાદ જરોદ થઈ સીધો વાઘોડિયા પોલીસ મથકે લઈ જવાયો હતો અને કન્ટેનર કલાકો બાદ વાઘોડિયા પહોંચ્યું હતું એ દરમિયાન જરોદ અને આમલીયારા વચ્ચે એક ખુલ્લા ખેતરમાં ઝાડીઓની આડમાં કન્ટેનરમાં રાખેલો રપ૦ પેટી વિદેશી દારૂ-બિયરના જથ્થા પૈકી ૨૨૦ પેટી મોંઘી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઉતારી દેવાયો હતો. જેની અંદાજિત કિંમત રૂા.૧૦ લાખ ઉપરાંતની છે એ જથ્થો ચોરી વાઘોડિયા પોલીસ મથકે માત્ર ૩૦ પેટી દારૂનો જથ્થો બતાવી લાખો રૂપિયાની રોકડી કરી લીધી હતી. નોઈડાથી નીકળેલા કન્ટેનરમાં ઓરલ કેરને લગતા ખાલી ખોખા ભરેલા હતા જેની આડમાં રપ૦ પેટી સ્કોચ વિસ્કી, બિયરનો જથ્થો સંતાડીને વડોદરા નજીકના અલ્હાદપુરા ગામે હનુમાનજી મંદિર પાસે લઈ જવાનો હતો, જેનું લોકેશન મોહરસિંગને મોબાઈલ ઉપર મોકલવામાં આવ્યું હતંુ. એ માટે ઉદયપુર થઈ શામળાજી, મોડાસા, ગોધરા વટાવી કન્ટેનર હાલોલ ટોલટેક્સ પસાર કરી ગોલ્ડન ચોકડી નજીક પહોંચ્યું હતું. એ દરમિયાન જિલ્લા એલસીબીના વિવાદાસ્પદ જવાન અસલમે તેની ગ્રે કલરની મારુતિ એસક્રોસ કન્ટેનરની આગળ લાવી આંતરી હતી અને ડ્રાઈવરને ડરાવી-ધમકાવીને ખાનગી કારમાં બેસાડી દીધો હતો અને સીધો વાઘોડિયા લઈ જવાયો હતો. પાછળ અસલમના માણસોએ કન્ટેનર ચલાવી જરોદ નજીકના ખેતરમાં કન્ટેનરમાંથી ૨૩૦ પેટી વિદેશી દારૂનો જથ્થો બારોબાર ઉતારી સગેવગે કરી દીધો હતો.

હાલમાં કન્ટેનરનો ડ્રાઈવર વાઘોડિયા સબજેલમાં છે એને સાથી કેદીઓ સાથે એના કન્ટેનરમાં રહેલો દારૂનો જથ્થો એલસીબીએ ચોરી લીધો હોવાની વાત કરતાં ઘટનાના ર૦ દિવસ બાદ ૧૦ લાખનો દારૂ સગેવગે કરાયો હોવાની ઘટનાનો ભાંડો ફૂટયો છે.આ અંગે તપાસ કરતાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવી છે જેમાં ટોલટેક્સ ઉપર કન્ટેનરના આવતા અને જતા ફુટેજ મેળવી લેવાયા છે. જ્યારે એલસીબી દ્વારા ૧૦ લાખના દારૂનો જથ્થો સગેવગે કરાયો હોવાની માહિતી બહાર આવતાં દારૂનો જથ્થો પકડાવાની દરેક ઘટનામાં પોલીસ આવું કરતી હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખુદ પોલીસ જ ઝડપાયેલો જથ્થો બારોબાર વેચી મહિને લાખો રૂપિયાની કમાણી કરતી હોવાનું કહેવાય છે. આ મામલામાં જાે મોબાઈલ લોકેશનની તપાસ થાય તો એલસીબીના ગોરખધંધાની ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે.

ટોલટેક્સ અને એફઆઈઆરના સમયમાં ખાસ્સો ફેર

રપ૦ પેટી દારૂનો જથ્થો લઈને આવતું કન્ટેનર હાલોલ વડોદરા ટોલટેકસ ઉપરથી ૧૭ જાન્યુાઅરીએ સાંજે ૭.૧૭ વાગે પસાર થયું હોવાનું સીસીટીવી કેમેેરામાં જાેઈ શકાય છે. જેને ગોલ્ડન ચોકડીથી જરોદ થઈ વાઘોડિયા લઈ જવાયું હતું અને એફઆઈઆર રાતના અઢી વાગ્યા બાદ નોંધાઈ હતી, એ દરમિયાન જ બધો ખેલ થયો હતો અને ૧૦ લાખનો દારૂ વગે કરી બૂટલેગરોને વેચી દેવાયો હતો.

ફરજના સ્થળને બદલે અસલમ હાલોલ જરોદ વચ્ચે જ ઊભો હોય છે

જિલ્લા એલસીબીની ડભોઈ બીટ ફરજ બજાવતો અસલમ નામનો વિવાદાસ્પદ જવાન ફરજના સ્થળને બદલે રોજેરોજ હાલોલથી જરોદ વચ્ચે પોતાની નંબર વગરની ખાનગી મારુતિ એસક્રોસ કાર લઈને ફરતી હોય છે અને શિકારની રાહ જાેતો હોય છે. શંકાસ્પદ કાર અટકાવીને જાે એમાં દારૂનો જથ્થો ઝડપાય તો મોટાભાગનો દારૂ રસ્તામાં ઉતારી દઈ પોતાની સેટિંગવાળા પોલીસ મથકે લઈ જઈ થોડી પેટીઓની એફઆઈઆર નોંધાવતો હોય છે અને એફઆઈઆર થાય એ પહેલાં જ એ જથ્થો બૂટલેગરોને વેચી દેવાય છે. એટલે કે લાખોની કમાણી કરવા માટે પોલીસ લુટારું અને બૂટલેગર પણ બની જાય છે.