રાજકોટ,  રાજકોટ નજીક આવેલ હીરાસર ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ૨૦૨૩ સુધીમાં કાર્યરત કરવામાં આવશે. રાજકોટ નજીકનું વર્લ્‌ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ બનનાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગુજરાતના પરિવહન ક્ષેત્રના વિકાસની સાથે નાગરિક સુવિધાઓને નવી દિશા આપશે.રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક ૧૦૨૫ હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વર્લ્‌ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે પ્રથમ ફેઝનું કામ અંદાજે ૬૭૦ કરોડનું છે. જે ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પુર્ણ થશે. જયારે ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં પુર્ણ કરી માર્ચ ૨૦૨૩ સુધીમાં પ્રોજેકટ લોંચ કરી દેવાનો લક્ષ્યાંક છે. કંપનીના સર્વે મેનેજર રમેશકુમાર મીનાએ કહ્યું કે આ જગ્યા ઉપરની જમીન ખૂબ જ ખાડા ટેકરાવાળી હોવાથી અમારા માટે આ ઉબડખાબડ જમીનનું લેવલીંગ કરવાનું કાર્ય પડકારજનક હતુ. કોઈક સ્થળે ૧૨ થી ૧૪ મીટર જમીન ઊંચી - નીચી હોવાથી મોટાપાયે મશીનરી મેનપાવર મૂકીને તેના લેવલીંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના કાળમાં પણ આ કામગીરી અટકી નથી. પ્રોજેક્ટ અંગે મળેલી વિગતો મુજબ ૩૦૪૦ લંબાઈના વન વેમાં ૪૫ મીટર પહોળાઈ અને બંને છેડે ૧૦ મીટરનો સોલ્ડર અંદાજે ૬૦ મીટર પહોળો રહેશે. એપ્રોન એરિયા (પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા ઉતરવા માટેની જગ્યા) ની કામગીરી થઈ ગઈ છે, જેનો વિસ્તાર ૩૫૪ ઠ ૧૫૨ મીટર રહેશે. પેરેલલ ટેક્સી ટ્રેક ત્રણ લિન્કથી જાેડાયેલ છે, જેનું કામ પણ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. જયારે ગ્રેડિંગ વર્ક ૫૦ ટકા થઇ ગયું છે. એરપોર્ટ મથકની ફરતે બાઉંટ્રી વોલ ૨૭ કિ.મી ની રહેશે જેમાં સાત કિલોમીટરનું કામ પૂર્ણ થઇ ગયું છે. એ પહેલા ઓપરેશન વોલ પણ અંદાજે ૧૧ થી ૧૪ કિલોમીટરની રહેશે. સમાંતર ડામર રોડ અને વોચ ટાવરો પણ ઉભા કરાશે. મોટું ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. ટ્રેકને ટ્રાફિક મુક્ત કરવા માટે આઇસોલેટેડ ઝોન પણ બનાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ નેશનલ હાઇવે ટચ એપ્રોચ રોડ અને ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર બંને સાઇડ એન્ટ્રી માર્ગ પર પ્લાન્ટેશન અને વિશાળ પાર્કીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.