ગાંધીનગર

કોરોનાની મહામારી વચ્ચે પોતાની માંગણીઓને લઈને ગુજરાતના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ ગત તા. ૧૨ જાન્યુઆરીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોના પ્રતિકારક રસીકરણની કામગીરી ચાલી રહી છે. આ સંજાેગોમાં રાજ્ય સરકારના આરોગ્ય કમિશનર દ્વારા આજે એક જાહેરનામું બહાર પાડીને હડતાલ ઉપર ઉતારેલા કર્મચારીઓને આવતીકાલથી તાકીદે ફરજ ઉપર હાજર થવા આદેશ કર્યો છે. એટલું જ નહી જે આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર રહેશે તેની સામે એસ્મા એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.  

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તથા તેને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા કોરોના - કોવિડ-૧૯ રસીકરણના મહાઅભિયાન અંતર્ગત ગુજરાતમાં તબકકાવાર હેલ્થ વર્કર, ફ્રન્ટલાઇન કાર્યકર અને વયોવૃધ્ધ વ્યકિતઓને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે. આમ આ તમામ આરોગ્યલક્ષી કામગીરી નિયમિત સતત સુચારૂ રીતે થાય તે માટે આરોગ્યના તમામ ડોકટર્સ, કર્મચારીઓ પોતાની ફરજ બજાવે તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈ આ સ્થિતિ વચ્ચે અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આદેશ કર્યાં છે.

શિવહરેના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિમાં આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતરે તો, દર્દીઓને સારવાર આપવામાં તેમજ રસીકરણમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઇ શકે તેમ છે. આથી સામાન્ય પ્રજાને તેમજ દર્દીઓને કોઇ હાલાકી ન ભોગવવી પડે તે માટે જે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તેઓની સેવાઓ લેવી જરૂરી હોઈ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ હેઠળ મળેલ સત્તાની રૂએ પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓને તાત્કાલીક ફરજ પર હાજર થવા જરૂરી હુકમ કરવામાં આવ્યા છે. જાે, હજુ કર્મચારીઓ ફરજ પર હાજર થશે નહીં તો કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ. શિવહરેએ ઉમેર્યું કે, હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં રાજયમાં કોવિડ-૧૯ના ૨.૫ લાખ કરતા વધુ પોઝિટિવ કેસ અને ૪૭૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે. કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યો છે. કોવિડ-૧૯ રોગના અટકાવ અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સ, કોન્ટેકટ ટ્રેસીંગ, રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ, ધન્વંતરી રથ સહિતની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલ, કોવિડ હેલ્થ સેન્ટર અને કોવિડ કેર સેન્ટરના માધ્યમથી દર્દીઓને સેવા-સારવાર આપવામાં આવી રહી છે.

આ અથાગ પ્રયત્નોને કારણે કોવિડ-૧૯ના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરી શકાયો છે. હાલની સ્થિતિ વચ્ચે આરોગ્યના પંચાયત સેવા હેઠળના કર્મચારીઓ તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૧થી અચોકકસ મુદ્દતની હડતાલ પર છે. આ તમામ કર્મચારીઓએ તેઓની મૂળભૂત ફરજના સ્થળે તાત્કાલીક બિનશરતી હાજર થવાનું રહેશે. જાે કર્મચારી આદેશનું પાલન ન કરે તો ધ એપીડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ના જાહેરનામાની જાેગવાઇ મુજબ સંબંધિત કલેકટરોને આ અંગેની કાર્યવાહી કરી સંબંધિત કર્મચારીઓને હાજર કરાવવા આદેશ અપાયો છે. જેની તાત્કાલીક અમલવારી કરવાની રહેશે. તે ઉપરાંત તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આદેશ અપાયા છે કે, ગેરહાજર તમામ કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં અને અનઅધિકૃત રીતે ફરજ પર ગેરહાજર ગણી સર્વિસ બ્રેક મુજબના પગલાં લેવામાં આવે.