ભરૂચ, ભરૂચ આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સીંગથી કાર્ય કરતા કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ન મળતા ભરૂચ જિલ્લા આરોગ્ય કચેરી બહાર જ વિરોધ પ્રદર્શન કરી માસ સી.એલ. પર ઉતરી ગયા હતા.  ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦માં વર્ગ-૪ની કાયમી ભરતી બંધ કરી હતી અને તેના સ્થાને આઉટસોર્સીંગની નિતિ અમલમાં મૂકવામાં આવી હતી. સમયાંતરે વર્ગ-૩ની રેગ્યુલર મહેકમની ખાલી જગ્યાઓમાં પણ આઉટસોર્સીગથી ભરતી કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમ્યાન આ કર્મચારીઓએ રાત-દિવસ પોતાના જીવના જાેખમે કોરોના વોરિયર્સ બની પ્રશંસનીય કામગીરી કરી હતી. હજીપણ કોરોનાનો ભય લોકોને સતાવી રહ્યો છે. કોરોના વેક્સિન આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને બરાબર આવા જ સમયે આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સીંગ હેઠળ કામ કરતા કર્મચારીઓએ તેમને ત્રણ મહિનાથી પગાર ન મળ્યો હોવાની ફરિયાદ ઉઠાવી છે. ત્રણ-ત્રણ મહિનાથી પગાર ન મળતા આ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવી ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પંચાયત આરોગ્ય વિભાગની કચેરી બહાર જ મોરચો માંડ્યો હતો અને માસ સી.એલ. પર ઉતર્યા હતા. 

કોરોના વેક્સિનની કામગીરીનો બહિષ્કાર કરાશે

એક તરફ સરકાર કોરોના વોરિયર્સના સન્માનની વાતો કરે છે. જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓને નિયત વેતન કરતાં પણ ઓછા વેતમાં કામગીરી કરાવે છે. સરકાર જાે આગામી સમયમાં બાકી પગારના ચૂકવણા નહીં કરે તો આગામી દિવસોમાં કોરોના વેક્સિનની કામગીરીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન છેડીશું. • સુભાષ રવિચંદ સોલંકી, સફાઈ કામદાર, સિવિલ હોસ્પિટલ 

 અમને છૂટા કરવા હોય તો છૂટા કરી દો

હાંસોટ તાલુકાના ઈલાવ પી.એચ.સી.માં કામ કરતાં પટેલ મહેશ્વરી કિશોરભાઈએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ત્રણ મહિનાથી પગાર થતો નથી. અમારે કામ કરવું કે નહિં તે સમજાતું નથી. તાપ તડકામાં કોરોનાની કામગીરી કરી છે. તો પગાર કેમ ન ચૂકવાય તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે પોતાનો પગાર ૧૯૦૦૦ હોવા છતાં ૯ થી ૧૦ હજાર રૂપિયા જ મળતા હોવાનો આક્ષેપ કરી અમારો ગુનો કયો છે તેવો પ્રશ્ન ઉઠાવી અમને છૂટા કરવા હોયતો છૂટા કરી દો તેવો હુંકાર કર્યો હતો.