રાજકોટ

રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે મિલકતના મુદ્દે વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ આ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા હતા. પરંતુ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.

રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ કોર્ટમાં અપીલ સહિત કેસ કર્યા છે. આ કાયદાકીય લડત રાજકોટ સિવિલ કોર્ટમાં પહોંચી છે. આજે સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરાવાનો સમય માગ્યો હતો.

આથી કોર્ટના જજ એલ.ડી. વાઘે ૧૧ ઓક્ટોબરની મુદત આપી છે. રાજકોટના ૧૭માં ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે વડીલોપાર્જીત મિલકતમાંથી હક્ક કઢાવી નાખતા રાજકોટ સિવિલ કોર્ટમાં બહેન રાજકુમારી અંબાલિકાદેવી બૂંદેલાએ વાંધા અરજી કરી છે. જેની આજે તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલે જવાબ રજૂ કરવા સમય માગતા જજે ૧૧ ઓક્ટોબરની મુદત આપી છે. જાેકે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપવામાં આવ્યોે હતો. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમ કરવાની જે નોંધ કરાવી હતી એ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.